વાહ રે સરકાર ! ગૌશાળાને સહાયની વાત કરીને હાથ અધ્ધર કર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યમાં મોંઘવારી અને આર્થિક મંદીની અસર દરેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે ત્યારે દાતાઓના દાનની સરવાણી અને સરકારી સહાયના સહારે ચાલતી ગૌશાળા અને પાંજરાપોળોમાં આશ્રય લઈ રહેલા ગૌવંશ સહિતના પશુધનની હાલત ખૂબ જ ગંભીર બની જવા પામી છે.સરકારે અગાઉ રૂપિયા ૫૦૦ કરોડની જાહેરાત કર્યા બાદ એક પણ રૂપિયો સંચાલકોને ન ચૂકવતા હાલમાં સંસ્થાઓની નિભાવણીમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.આ અંગે સંચાલકોએ મુખ્યમંત્રીને પત્ર લખી સાત દિવસમાં સહાય ચૂકવવામાં નહીં આવે તો પશુધનને નજીકની સરકારી કચેરીઓમાં છૂટા મૂકી દેવાશે તેવી ચિમકી ઉચ્ચારી છે. ગૌશાળા- પાંજરાપોળોમાં એક પશુને નિભાવવા માટે દૈનિક રૂપિયા ૬૦ થી ૭૦ જેટલો ખર્ચ થાય છે તે હિસાબે ગૌશાળા પાંજરાપોળોને લાખો રૂપિયાના દાનની કે સહાયની જરૂર પડે છે.ત્યારે અબોલ જીવોના નિભાવ માટે સરકાર તરફથી કાયમી યોજના અમલી બનાવવાની માંગણી ઘણાં વર્ષોથી ચાલતી હતી. જેના અનુસંધાને રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા ૨૦૨૨-૨૩ નાં બજેટમાં રૂ.૫૦૦ કરોડની સહાય અંગે જાહેરાત કરાઈ હતી.જે જાહેરાત દાતાઓ સુધી પહોંચતા ગૌશાળામાં દાનનો પ્રવાહ અચાનક સ્થગિત થઇ ગયેલ છે.બીજી બાજુ સરકાર તરફથી જાહેરાત બાદ કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

એક તરફ દાનની આવક ઘટવા લાગી : બીજી તરફ ઘાસચારાના ભાવો આસમાને પહોંચવા લાગ્યા
હાલમાં દરેક સંસ્થાઓ પાસે રોજેરોજ પશુઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને તેનો ખર્ચ પણ વધી રહ્યો છે. તો બીજીબાજુ ઉધારમાં મળતું ઘાસ પણ હવે મળતું બંધ થઇ ગયું છે જેથી ગુજરાતભરના સંચાલકો ભારે મૂંઝવણમાં છે.આથી સંચાલકો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી બજેટમાં કરેલી જાહેરાત મુજબ તાત્કાલિક સંસ્થાઓને સહાયની ચુકવણી કરવાની માંગ કરી છે.અને જાે સરકાર તરફથી દિન ૭ માં આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી નહિ પહોચે તો સંસ્થાઓમાં આશ્રિત પશુઓ માટેનો ઘાસચારો ખૂટી જતા તબક્કાવાર સંસ્થાઓએ ગૌવંશ સહિતના જીવોનું જીવન બચાવવા માટે પશુઓને નજીકની સરકારી કચરીઓએ લાવી લોકો પાસેથી આર્થિક સહાય તેમજ ઘાસચારાની વ્યવસ્થા કરવા મજબુર બનવું પડશે તેવી ચીમકી પણ પત્રમાં ઉચ્ચારવામાં આવી છે. આથી સરકાર આવી સ્થિતિ નિર્માણ થાય તે પહેલા ત્રણ માસની બાકી આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી પહોચે તેવી વ્યવસ્થા કરે એ ઇચ્છનીય છે..

ગુજરાત ભરમાં ૧૫૦૦ થી વધુ ગૌશાળાઓમાં ૭.૫૦ લાખથી વધુ ગૌવંશ સહિતના પશુઓ આશ્રય લઈ રહ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ૧૭૦ થી વધુ ગૌશાળાઓ- પાંજરાપોળમાં ૭૫,૦૦૦ થી વધુ પશુઓ આશ્રય લઈ રહ્યા છે. આ ગૌશાળાઓ -પાંજરાપોળો દાતાઓની દાનની સરવાણીના સહારે ચાલતી હતી પરંતુ કોરોના મહામારી બાદ પ્રવર્તી રહેલી આર્થિક મંદીના કારણે દાતાઓના દાનનો પ્રવાહ ખૂબ જ ધીમો પડી ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.