બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર યંત્રના નામે ખુલ્લેઆમ ધમધમતો વરલી મટકાનો જુગાર
શું પોલીસ આ જુગારથી અજાણ છે કે પછી આંખ આડા કાન કરી રહી છે.
કોમ્પ્યુટર મારફતે દર 5- 5 મિનિટે હાજર વરલી ખોલવામાં આવે છે.
ગુજરાતમાં જુગાર ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ અનેક શહેરોમાં પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ જુગાર ધામો ધમધમી રહ્યા છે ત્યારે હવે ડીસા,પાલનપુર, ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અનેક શહેરમાં યંત્રની આડમાં વરલી મટકાનો જુગાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. જેમાં ખાસ કરીને ગરીબ અને મજૂરી વર્ગના લોકો કંગાળ થઈ રહ્યા છે ત્યારે જિલ્લામાં ખુલ્લેઆમ ધમધમતા આ જુગાર ધામ ઉપર જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા, પાલનપુર, થરાદ, ધાનેરા, દિયોદર સહિત અનેક શહેરમાં છેલ્લા ઘણા સમયથી યંત્રના નામે વરલી મટકાનો જુગાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. જેમાં ખાસ કરીને ગરીબ અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા લોકો આ જુગારની લતે ચડી પોતાની મજૂરીની કમાણી હારી રહ્યા છે ત્યારે ગરીબોને ખંખેરતા આવા તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. જિલ્લાના અનેક ગામોમાં યંત્રના નામે વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો છે.
જેમાં લોકોને 10 રૂપિયાના 100 રૂપિયા આપવાની લાલચ આપી દર પાંચ મિનિટે કોમ્પ્યુટર મારફતે હાજર વરલીનો જુગાર રમાડવામાં આવે છે. જેમાં એક્કાથી લઈને મીંડી સુધીના છૂટા આંકડા હોય છે અને જેને લાગે તેને દસ રૂપિયાના સો રૂપિયા આપવામાં આવે છે.
જો કે જુગારમાં મોટા ભાગના લોકો કંગાળ થઈ રહ્યા છે ત્યારે જિલ્લામાં કેટલાક લોકો દ્વારા પોલીસ તંત્રની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી યંત્રના નામે વરલી મટકાનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે જોકે અનેક સ્થળોએ આ જુગાર ધામો ધમધમી રહ્યા છે ત્યારે ખુલ્લેઆમ ચાલતા આ જુગાર ધામોથી સ્થાનિક પોલીસ અજાણ હશે કે પછી આંખ આડા કાન કરી રહી છે ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે.જેથી આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા એક અલગ ટીમ બનાવી યંત્રના નામે ચાલતા જુગાર ધામો ઉપર દરોડા પાડી કડક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.