બનાસકાંઠાની મહિલાઓ શીખી રહી છે પ્રાકૃતિક કૃષિના પાઠ: હવે મહિલાઓ કરશે પ્રાકૃતિક કૃષિનો પ્રસાર પ્રચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામે કૃષિ સખીઓની પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ શિબિર યોજાઈ: બનાસકાંઠાની મહિલાઓ શીખી રહી છે પ્રાકૃતિક કૃષિના પાઠ. ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અને વિસ્તાર વધે, વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય એ માટે મહિલાઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે.

ગ્રામીણ વિકાસ મંત્રાલય તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ‘કૃષિ સખી’ તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામે ત્રીસ ગામોની કૃષિ સખીઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી.

નાંદોત્રા ગામના કરશનભાઇ જેઠાજી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ એસોસિએશનના તાલુકા સંયોજક અને FMT (ફાર્મર માસ્ટર ટ્રેનર) તરીકે ફરજ બજાવે છે. જેમના મોડેલ ફાર્મ પર કૃષિ સખીઓની પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કરશનભાઇ માળીના મોડેલ ફાર્મમાં કૃષિ સખીઓએ મગફળી, બટાકા, પપૈયા, મરચાં અને બાજરીનું પ્રાકૃતિક ખેતી દ્વારા વાવેતર, ઉત્પાદન વૃદ્ધિ અને તેમાં રાખવાની કાળજી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તાલીમ પામેલી કૃષિ સખીઓ પ્રાકૃતિક કૃષિના પ્રસાર પ્રચાર માટે સંકલ્પબદ્ધ બની હતી. કરશનભાઇ મળીએ પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો રજૂ કરી રાસાયણિક ખાતરોનો વપરાશ ત્યજી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનવવા ખેડૂતોને અપીલ કરી હતી. નોંધનીય છે કે, 30 મી જૂનના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ડીસા ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક કાર્યક્રમમાં પધાર્યા ત્યારે કરશનભાઇ માળીનું સન્માન કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.