આવાસ યોજનામાં વ્યાપક ગેરરીતીઓની લોક રાડ : વાવના પંડિત દિન દયાળ આવાસ યોજનાના નિરીક્ષકની અનિયમિતતા ચર્ચાસ્પદ
નિરીક્ષક અને જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી પણ ઇન્ચાર્જ
વાવ તાલુકામાં 2005 થી 2020 સુધીમાં પંડિત દિન દયાળ આવાસ યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. ગરીબ નિરાધાર અપંગ લોકોના નામે ખોટા આવાસો બની ગયા છે. તો ક્યાંક વળી એક લાભાર્થીએ બે લાભો લીધા છે. તો ક્યાંક બનેલા મકાનો ઉપર પણ સહાય ચૂકવાઈ છે. છતાં આજદિન સુધી તપાસ થતી નથી. એટલુ જ નહીં, આજની તારીખમાં પણ વાવ નિરીક્ષકની જગ્યા ઇન્ચાર્જને હવાલે તો જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીની જગ્યા પણ ઇન્ચાર્જને હવાલે હોઈ સમગ્ર જિલ્લામાં સમાજ કલ્યાણ શાખામાં રામ રાજને પ્રજા સુખી જેવો ઘાટ ઘડાયો છે. તેથી વચેટિયા, નિરીક્ષક અને અધિકારીના ત્રિવેણી સંગમથી ચાલતો વહીવટ ચર્ચાસ્પદ બન્યો છે.
જોકે છેલ્લા એક વર્ષથી વાવમાં મુકાયેલા નિરીક્ષકની મુખ્ય નોકરી કચેરીમાં કારકુન તરીકેની હોઈ તેઓ ભાગ્યે જ વાવની મુલાકાત લે છે.અને મોટા ભાગનો વહીવટ વચેટિયાઓ સંભાળી લે છે.જેથી જરૂરિયાત મંદ સાચા અપંગ વિધવા નિરાધાર સુરદાસના કેસો મંજુર થતા નથી અને મોટા ભાગે જે આવાસ યોજનાના કેસો મંજુર થાય છે તે શ્રીમંતોના થાય છે.તેવા લોકોમાં આક્ષેપ થઈ રહ્યા છે.તો જિલ્લા કલેકટર અંગત રસ દાખવી વાવ -સુઇગામ તાલુકાનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી તપાસનો દોર શરૂ કરે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.