શાનું ગૌરવ : છાપી પંથકમાં શિક્ષણ અને આરોગ્ય સેવા લકવાગ્રસ્ત !!

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)છાપી, રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠામાં રવિવારથી વડગામના છાપીથી સરકાર વિવિધ યોજનાઓને લોકો સુધી લઈ જવા ગૌરવ યાત્રાની શરૂઆત કરવામાં આવી રહી છે.ત્યારે વડગામ તાલુકાની પ્રજામાં ભાજપની ગોરવયાત્રા ને લઈ અનેક સવાલો થઇ રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શાનું ગૌરવ …? ત્યારે આજે યાત્રાને કેવો પ્રતિસાદ મળે છે તે જોવાનું રહ્યું. ભાજપની ગૌરવ યાત્રા સામે વડગામના લોકોમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક રાજકારણમાં પણ ભારે ચર્ચાઓ જાગી છે.

રાજ્યની ભાજપ સરકાર દ્વારા ગૌરવયાત્રાની શરૂઆત વડગામના છાપીથી થઈ રહી છે. ત્યારે છાપી પંથકના લોકો ગૌરવ યાત્રા સામે સવાલ ઉઠાવી રહ્યા છે. ભાજપ સરકાર દ્વારા વડગામના છાપી પંથકની વર્ષોથી અવગણના કરવામાં આવી રહી છે. તાલુકાના મુખ્ય મથક એવા છાપી આસપાસ મોટી જનસંખ્યા ધરાવતા વીસથી પચીસ ગામો આવેલા છે આ તમામ ગામોની જન સંખ્યાનો સરવાળો કરીએ તો સાઈઠ થી સિત્તેર હજારનો થવા જાય છે.

છાપીના વિવિધ સંગઠનો દ્વારા છાપી ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પરિવર્તિત કરી આરોગ્યની ઉત્તમ સેવા મળી રહે તે માટે વર્ષોથી માંગણી કરવામાં આવી રહી છે પણ કોણ જાણે છાપી ને સામુહિક આરોગ્ય કેન્દ્ર નો દરજ્જો આપવામાં રાજ્ય સરકાર ને કયો ગ્રહ નડી રહ્યો છે. છાપી પંથકમાં લોક મુખે ચર્ચા મુજબ આરોગ્ય સેવા લકવાગ્રસ્ત બની રહી છે.
સાથે સાથે અનેક ગામો માં પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓ, શૌચાલયોનો અભાવ સાથે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. ત્યારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ગૌરવયાત્રા સામે અનેક સવાલો ઉઠવા સાથે લોકો કહી રહ્યા છે કે શાનું ગૌરવ….? આવનાર વિધાનસભાની ચૂંટણીમાં વડગામના લોકો ફરી એક વાર ભાજપને પાઠ ભણાવશે તેવું લોક ચર્ચા ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.