અંબાજી ભાદરવી પૂનમ મેળામાં પાણી પુરવઠા વિભાગની પાણીદાર વ્યવસ્થા
ભાદરવી પૂનમના મેળામાં રોજ 40 લાખ લીટર પાણી આપવાની કરાઈ વ્યવસ્થા
પીવા તેમજ વપરાશના પાણીની પુરતી વ્યવસ્થાઓને માઇભક્તોએ વખાણી
અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજીમાં રોજનું 40 લાખ લીટર એટલે કે 4 MLD પાણી પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે.
મેળામાં આવતા પદયાત્રિકો અને સેવા કેમ્પ સહિત મેળાની વ્યવસ્થામાં રોકાયેલા સ્ટાફને પીવાના પાણી સહિત વપરાશના પાણીની પુરતી સુવિધા મળે એ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર મિહિર પટેલે જુદી જુદી સમિતિઓ સહિત પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે કાર્યપાલક ઈજનેર ડી. એમ. બુંબડીયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા સમિતિની રચના કરી હતી. તેમના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા અંબાજીના તમામ વિસ્તારોમાં અવિરત પાણી પુરવઠો પૂરો પડાય છે.
અંબાજી આવતા રસ્તાઓમાં ઠેર ઠેર પીવાના પાણીની વ્યાપક સુવિધાઓ જોઈને યાત્રિકો આ વ્યવસ્થાના વખાણ કરી રહ્યા છે. આ અંગે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર ડી. એમ. બુંબડીયાએ જણાવ્યું કે, ભાદરવી પૂનમના મેળાને નિમિત્તે અંબાજી અને ગબ્બર ખાતે પૂરતા પ્રેસર થી પાણી મળે એ માટે ધરોઇ જળાશય તથા લોકલ સોર્સ દ્વારા અંબાજીમાં પાઇપલાઈન મારફત રોજનું 40 લાખ લીટર પાણી પૂરું રોજે અંબાજી શહેર અને મેળામાં રોજ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાડવામાં આવે છે.
દાંતા થી અંબાજી સુધી 11પાર્કિંગ સ્થળે પીવાનું તથા વપરાશનું પાણી આપવામાં આવે છે. હડાદથી અંબાજી સુધી 09 પાર્કિંગ સ્થળો એ પીવાનું પાણી અને યાત્રાધામ ખાતે શેલ્ટર હોમ, પાર્કિંગ જેવ જગ્યાએ પાણી ટેન્કર મારફત પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત 50 ટેન્કર જેમાં 20 ચકલીવાળા ટેન્કર અને 30 ફાઇટર ટેન્કર દ્વારા મેળામાં અવિરત પાણી પુરવઠો જળવાઈ રહે તેવા પ્રયાસ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે.