બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરીના સ્થળાંતર સામે ઉગ્ર વિરોધ યથાવત
બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા કલેક્ટર કચેરીને સ્થળાંતર કરી સદરપુર હાઇવે પર લઈ જવાની હિલચાલ સામે જિલ્લાભરમાં વિરોધનો સુર ઉઠ્યો છે. ત્યારે પરશુરામ પરિવારના અગ્રણી ડામરાજી રાજગોરે પણ કલેકટર કચેરીના સ્થળાંતર સામે વિરોધ જતાવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે શહેરની મધ્યમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનની વચ્ચે જાેરાવર પેલેસમાં કલેકટર કચેરી આવેલી છે. જ્યાં તમામ સરકારી કચેરીઓ આવેલી છે. જે કલેકટર કચેરીનું મકાન જૂનું થઈ ગયું હોઇ અને જગ્યા સાંકડી પડતી હોય નવી અત્યાધુનિક કલેકટર કચેરી બનાવવા માટે સદરપુર હાઇવે પર જગ્યા ફાળવવામાં આવી છે. ત્યારે વર્તમાન કલેકટર કચેરીનું સદરપુર હાઈવે ખાતે થનાર સ્થળાંતર સામે વિરોધ ઉઠ્યો છે. અગાઉ કોંગ્રેસના ધારાસભ્યોએ પણ કલેકટર કચેરીના સ્થળાંતર સામે વિરોધ દર્શાવ્યો હતો જ્યારે કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જીલ્લા પંચાયત ના પ્રમુખ વારકીબેન પારધીએ પણ કલેકટર કચેરી માટે પથિકાશ્રમની જગ્યા આપવાની સંમતિ આપતો પત્ર ડીડીઓને સુપરત કર્યો હતો. જાેકે, કાયદાકીય ગૂંચ ઉભી ન થાય તે માટે નાયબ ડીડીઓને નિયુક્ત કરાયા છે.