પાલનપુરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં ભર ચોમાસે પીવાના પાણી માટે વલખાં
પાલિકા દ્વારા એક વર્ષ અગાઉ બનાવેલ પાણીનો બોર બન્યો શોભાના ગાઠિયા સમો
વીજ કનેશન આવ્યું આવ્યું હોવા છતાં બોર ચાલુ કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ: પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 11 માં સમાવિષ્ટ ગણેશપુરા ના આંબાવાડી વિસ્તારમા પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે પાલીકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બોરવેલ બનાવવામાં આવ્યો છે. અને બોર માટે વીજ જોડાણ પણ નાખી દેવામાં આવ્યું છે. તેમ છતાં છેલ્લા એક વર્ષ થી આ બોર ને ચાલુ કરવામાં ન આવતા લોકોને ભર ચોમાસે પાણી માટે વલખા મારવાની ફરજ પડી રહી છે. ત્યારે પાલિકા દ્વારા આ નવીન બોર સત્વરે ચાલુ કરાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.
પાલનપુર શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં ધરોઈ જૂથ યોજના હેઠળ પાણીનો પુરવઠો પૂરો પાડવામા આવી છે તેમજ કેટલાક વિસ્તારોમાં બોરવેલનું પાણી સપ્લાઇ કરાય છે. તેમ છતાં પણ અનેક વિસ્તારોમાં પીવાના પાણી ની તંગી વર્તાઇ રહી છે. જેમાં સ્લમ વિસ્તાર ધરાવતા ગણેશપુરા આંબાવાડીમાં પીવાનું પાણી પુરતા પ્રમાણમાં ન મળતા સ્થાનિકો ને પાણી માટે દૂર દૂર ભટકવાની ફરજ પડી રહી છે. તેમજ રૂપિયા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા પડી રહ્યા હોય આ વિસ્તારમાં પીવાના પાણી સમસ્યાનો ઉકેલ લાવવા અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા આખરે પાલિકા દ્વારા અહી ગત વર્ષે નવીન બોર બનાવવા માં આવ્યો હતો.
જે બોર ચાલુ કરવા વીજ જોડાણ પણ નાખી દેવામાં આવ્યું હોવા છતાં પાલિકા દ્વારા આ બોર ને ચાલુ કરવામાં ન આવતા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ બોર માત્ર શોભાના ગાંઠીયા સમાન બની રહ્યો હોઇ લોકોને હાલમાં ભર ચોમાસે પણ પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોઇ પાલીકા ની લાપરવાહી સામે લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે. ત્યારે પાલિકા તંત્ર આ બંધ બોરવેલ સત્વરે ચાલુ કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.