ધાનેરામાં સાર્વજનિક પુસ્તકાલયની ફરતે બનાવેલી દુકાનો ખાલી કરવાની તારીખ ટળી
રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલી ૪૦ જેટલી દુકાન ધરાવતા વેપારીઓને કોવિડ ૧૯ના લીધે રાહત મળી છે. ધાનેરા શહેરની જૂની અને જાણીતી બજાર એટલે કે લાઈબ્રેરી વિસ્તારના વેપાર પર બરબાદીના વાદળો મંડાઈ રહ્યા છે. ૪૦ વર્ષથી આ વિસ્તાર મા વેપારીઓ પોતાની દુકાન લઈને બેઠા છે. જો કે આ પુસ્તકાલયના મકાનની ફરતે દુકાનો બનાવતા આ જગ્યા વાણિજ્ય હેતુ માટે ઉપયોગમાં લેવાનો મામલો જિલ્લા કલેકટર તેમજ ગુજરાત નામદાર હાઈકોર્ટે સુધી પહોંચ્યો હતા. જેના કારણે ગત ૬ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ધાનેરા સીટી સર્વે કચેરી દ્વારા બધું સમાજ સાર્વજનિક પુસ્તકાલયના કબજોદારોને જાણ માટે નોટિસ આપવામાં આવી હતી અને ૧૦ દિવસમાં દુકાનોનો કબજો ખાલી કરવા માટે નોટિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.વર્ષોથી પોતાનો ધંધો રોજગાર ચલાવતા વેપારીઓને આ નોટિસએ રાતા પાણી એ રોતા કર્યા હતા.જયારે આ મામલે ફરી ગત દિવસોમાં ૧૪ જુલાઈ સુધી તમામ દુકાનોનો કબજો પોલીસ બંદોબસ્ત સાથે લેવાનું નક્કી કરાયું હતું.જા કે હાલ કોરોના મહામારીના લીધે તમામ રેવન્યુ સ્ટાફ તેમજ પોલીસ તંત્ર કોવિડ ૧૯ની કામગીરીમાં રોકાયેલું હોવાથી એક વાર ફરી આ સંકટ ટળ્યું છે.