અંબાજી માસ્ટર પ્લાન હેઠળ રીંછડિયા મહાદેવ મંદિર પરિસરમાં રીંછડિયા લેક બ્યુટીફિકેશન સુવિધાઓ ઊભી કરાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્ય સરકારે અંબાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે અંબાજી માસ્ટર પ્લાન બનાવ્યો છે. આ માસ્ટર પ્લાન હેઠળ અંબાજી યાત્રાધામની સાથે-સાથે આસપાસ આવેલા યાત્રાધામોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમાં રીંછડિયા મહાદેવ મંદિર પરિસરના વિકાસનો પણ સમાવેશ કરાયો છે.અંબાજીથી ખેડબ્રહ્મા જતા ધોરીમાર્ગ પર કુંભારિયા દેરાસરથી લગભગ 2 કિલોમીટરના અંતરે આંતરિયાળ વિસ્તારમાં આવેલ પૌરાણિક રીંછડિયા મહાદેવ મંદિરનું નામ અહીં વન વિસ્તારમાં રીંછોની વસતીના કારણે પડ્યું છે. આદિવાસી વસતી ધરાવતા રીંછડી ગામના જંગલોમાં રીંછ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને એટલે જ આ મંદિરનું નામ રીંછડિયા મહાદેવ પડ્યું છે.વર્ષ દરમિયાન અને ખાસ કરીને શ્રાવણ માસમાં ઘણા શ્રદ્ધાળુઓ આવે છે. રીંછડિયા મહાદેવ ખાતે ભાદરવી પૂનમે પણ અહીં મેળો ભરાય છે. અંબાજી મંદિરે ભરાતા ભાદરવી પૂનમના મેળાની સાથે અહીં મેળો યોજાય છે. રીંછડી ડૅમ નજીક આવેલા આ મંદિરનું આસપાસનું વાતાવરણ નયમરમ્ય છે. અંબાજીથી 5 કિલોમીટર દૂર આવેલા રીંછડિયા ગામના વન વિસ્તારમાં આવેલા આ મંદિર પાસે આવેલી અષ્ટકોણી વાવ તથા સરસ્વતી નદી પર ડૅમ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.રીંછડિયા મહાદેવ મંદિરની પૌરાણિકતા તથા ઐતિહાસિકતાને જોતાં રાજ્ય સરકારે આ મંદિરનો કાયાકલ્પ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી) દ્વારા સંચાલિત રીંછડિયા મહાદેવ મંદિરના કાયાકલ્પ માટે રાજ્ય સરકારે રૂ. 53.94 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટને વહીવટી મંજૂરી મળી ચૂકી છે. આ પ્રોજેક્ટ હેઠળ યાત્રાળુઓ માટે રીંછડિયા મંદિર પરિસર, રીંછડિયા લેક બ્યુટીફિકેશન, ચેકડૅમ ફાઉન્ટેન, ફૂડ ઝોન જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત મંદિર પરિસર તથા તેની આસપાસના વિસ્તારમાં 29 જેટલા વિવિધ સ્થળો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.આ વિકાસ પ્રોજેક્ટ હેઠળ મુખ્યત્વે રીંછડિયા મહાદેવ મંદિર તથા મંદિર પરિસરનું પુન:નિર્માણ કરવામાં આવશે. આ પુન:નિર્માણ પ્રક્રિયામાં મંદિરે આવતા યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ પણ ઉભી કરાશે. જેમાં પાર્કિંગ, ઇનફૉર્મેશન કિઓસ્ક/સેંટર તથા 2 બ્રિજની વ્યવસ્થા કરાશે. યાત્રાળુઓ માટે અરાઇવલ પ્લાઝા, ચેકડૅમ ફાઉન્ટેન પણ બનાવવામાં આવશે. મંદિર વિસ્તારમાં સ્કલ્પચર, કૉફી શોપ, ક્રાફ્ટ બઝાર, ફૂડ કિઓસ્ક્સ, વૉકિંગ ટ્રૅક, એમ્ફીથિયેટર, ટૉઇલેટ તથા ડ્રિંકિંગ વૉટર, પાથવે, પ્રોજેક્ટ વ્યુઇંગ ડેક્સ, વિઝિટર્સ સેંટર, ફ્લોટિંગ ડેક, આર્ટ વૉલ્સ, વૉચ ટાવર, એક્સપીરિયન્સ પાથ, રસ્ટિક મડ પાથ, વેટલૅંડ, વૉટર ઇંટેલ કલ્વર્ટ, લેક એજ એરિયા, ડીસિલ્ટિંગ તેમજ માત્ર પાથવે પર ઇલેક્ટ્રિકલ વર્ક જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.