નડાબેટમાં જંગલમાં કુદરતી રીતે પ્રાણીઓના સંતુલન માટે નડાબેટ વુલ્ફ નાર સોફ્ટ રીલિઝ સેન્ટરમાં જૂનાગઢ થી 4 વરૂ નારની જોડી લવાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

જંગલમાં કુદરતી રીતે પ્રાણીઓના સંતુલન માટે બનાસકાંઠા જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકાના નડાબેટ ખાતે આવેલ વુલ્ફ નાર સોફ્ટ રીલિઝ સેન્ટરમાં જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 4 વરૂ નારની જોડી લાવવામાં આવી છે. વરૂ નાર માટે કુદરતી આવાસ સમાન પ્રિ- રીલિઝ કેજ 4 હેક્ટર જેટલાં વિસ્તારમાં અને તેમના ખોરાક માટે પ્રે બેઝ કેજ 1 હેક્ટરમાં બનાવવામાં આવેલ છે. અહીં વરૂ સારવાર અને સંભાળ માટે એનિમલ હાઉસ અને કરાલ, મોનીટરીંગ યુનિટ, મેડીકલ યુનિટ સહિતની સુવિધાઓથી સજ્જ સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે. જેમાં તા. 13 ઓગસ્ટ, international wolf day અંતર્ગત સક્કરબાગ બ્રીડિંગ સેન્ટર ખાતેથી 4 વરૂની જોડી નડાબેટ ખાતે લાવવામાં આવી છે. આ નારની જોડી જંગલમાં મુક્ત અવસ્થામાં પોતાનુ અસ્તિત્વ ટકાવી શકે એ માટે શિકાર અને સંરક્ષણ અંગે વન વિભાગ દ્વારા હાલ તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ આપ્યા બાદ વરૂ નાર ની 4 જોડીને જંગલ વિસ્તારમાં મુક્ત રીતે વિહરવા માટે છોડવામાં આવશે. જેથી ભવિષ્યમાં તૃણાહારી પ્રાણીઓ ભૂંડ અને નીલગાય જેવા પ્રાણીઓનો તેઓ શિકાર કરી શકે અને આ વિસ્તારમાં કુદરતી સંતુલન જળવાઈ શકે એનાથી પર્યાવરણના સંતુલન સાથે ખેડૂતોના ઉભા પાકને પણ રક્ષણ મળશે જેનાથી ખેડુતોને ફાયદો થશે.ગુજરાત રાજયના ઉત્તર ભાગમાં બનાસકાંઠા જિલ્લામાં પશ્ચિમ દિશાએ પાકિસ્તાન સરહદ નજીક 2500 હેક્ટર વિસ્તારમાં નડાબેટ આવેલ છે. નડાબેટ એક ઐતિહાસિક પ્રાચીન બેટ છે. અહીં નડેશ્વરી માતાજીનુ મંદિર આવેલ છે. નડાબેટ વિસ્તાર એ વર્ષોથી વરૂ નાર નું સુરક્ષિત આશ્રયસ્થાન ગણાય છે. અહીં નડાબેટ દક્ષિણ દિશામાં ઐતિહાસીક નારબેટ આવેલ છે. જયાં પહેલાંના સમયમાં વરૂ (નાર) મોટી સંખ્યામા વસવાટ કરતા હોવાથી આ બેટનું નામ નારબેટ પ્રચલિત થયેલું છે. નડાબેટની ઉત્તર દિશામા મુળાબેટ અને લોદ્રાણી બેટ આવેલા છે. આ તમામ બેટ વિસ્તારમા હાલ પણ વરૂ નાર પ્રજાતિ વસવાટ કરે છે. નડાબેટ વિસ્તારમાં વરૂ (નાર) ને અનુકુળ વાતાવરણ હોઈ વરુ પ્રજાતીને આ વિસ્તાર માફક આવે છે. ચોમાસામાં અનેક પ્રકારના કુદરતી ઘાસ અહી થાય છે. ચિંકારા, ઘુડખર, નીલગાય, જંગલી ભુંડ, સસલા જેવા વન્યજીવો માટે આ વિસ્તાર રણમાં મીઠી વિરડી સમાન છે.છેલ્લા દશકાઓથી વરૂની સંખ્યામાં સમગ્ર દેશમાં ચિંતાજનક ઘટાડો નોધાયો છે. જેના પરિણામે નીલગાય, જંગલી ભૂંડ જેવા ત્રુણાહારીઓની સંખ્યા પરથી કુદરતી નિયંત્રણ ખોરવતા, આ ત્રુણાહારીઓ દ્વારા ખેડુતોના ઉભા પાકને પારાવાર નુકસાન થાય છે. ત્રુણાહારીઓની સંખ્યા કુદરતી રીતે નિયંત્રણ કરવા વરૂ પ્રજાતિની સંખ્યા વધવી જરૂરી છે. ગીર ફાઉંડેશન દ્વાર હાથ ધરાયેલ નીલગાય વસ્તી આંકલન અહેવાલ અનુસાર બનાસકાંઠા જિલ્લામા નીલગાયની સંખ્યા 33 હજારથી વધુ નોધાયેલી છે. જિલ્લામાં ત્રુણાહારીઓને કુદરતી રીતે નિયંત્રિત કરવા આ વિસ્તારમાં વરૂઓની સંખ્યા વધારવા માટે વન વિભાગ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, જુનાગઢ સ્થિત વરૂ સંવર્ધન કેન્દ્ર ખાતેૂવરુ પ્રજાતિનુ સફળ સંવર્ધન થતા છેલ્લાં ૫ વર્ષમા અંદાજીત 70 જેટલા બાળ વરૂઓનો જન્મ થયો છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, જુનાગઢ સ્થિત વરૂબાળને કુદરતી અવસ્થામા પુન:સ્થાપિત કરવા સરકારશ્રી દ્વારા નીલગાય, જંગલી ભૂંડ જેવા ત્રુણાહારીઓની સંખ્યા પર કુદરતી નિયંત્રણ માટે અને વરૂ પ્રાણીને અનુકુળ વાતાવરણ હોવાથી બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાના નડાબેટ ઘુડખર અભ્યારણ વિસ્તારમા વરૂ સોફ્ટ રિલિઝ સેંટર બનાવવાનુ નક્કી કરાયું છે.અહીં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના બાળ વરૂઓ કુદરતી વાતાવરણમાં મુક્ત છોડતા પહેલાં જંગલમાં જીવન ગુજરાવા, સ્થાનિક વાતાવરણ ખાતે સુમેળ સાધવા અંગેની સઘન તાલીમ આપવામા આવશે. ત્યારબાદ કુદરતના સાનિધ્યમાં આ બાળવરૂઓને મુક્ત છોડવામાં આવશે. તેમ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચેતનસિંહ બારડએ જણાવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.