વિચરતી જાતિના ૧૮૫ પરિવારોને કાયમી સરનામું મળ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કર્યુ હતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ રોજી રોટી માટે ફરતા રહેતા અને ખુલ્લા આકાશ નીચે જીવન જીવતા ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારોને કાકરના વાદીપૂરા ખાતે મુખ્યમંત્રીએ મકાનની ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવતાં હવે તેમને કાયમી સરનામું મળ્યું છે
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ મંત્ર, સૌનો સાથ… સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે આ સરકાર કામ કરે છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ છે પરંતુ વિચરતી જાતિ માટે કામ કરવાથી વિશેષ આત્મસંતોષ મળે છે. આજદિન સુધીમાં વિચરતી જાતિના ૪,૦૦૦ લોકોને મકાન માટે સનદ સહાય અપાઇ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન છે ત્યારે કોઈ પણ વ્યક્તિ વિકાસની મુખ્ય ધારામાં પાછળ ન રહી જાય તેની ચિંતા આ સરકાર કરે છે. તેમણે કહ્યું કે નરેન્દ્રનગર વાદી વસાહતના મકાનોની સાથે સાથે બાળકો ભણી શકે તે માટે હોસ્ટેલ પણ બનાવી છે. હવે બાળકોને ભણવા માટે હોસ્ટેલ સાથેની વ્યવસ્થા થતા તેઓ ભણી ગણીને આગળ વધશે. મુખ્યમંત્રીએ કહ્યું કે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા ગુજરાત વિકાસના પાયામાં છે. કોવિડના સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને એક તાંતણે બાંધીને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડી છે. ગુજરાતમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ હોવાથી લોકો ર્નિભયપણે હરી ફરી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વિચરતી જાતિના સમુદાયને સંબોધતા કહ્યું કે તમને આગળ વધારવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ત્યારે કુરિવાજાેમાંથી બહાર આવીને આગળ વધીએ. તેમણે આર્ત્મનિભર ગુજરાત અને આર્ત્મનિભર ભારતના નિર્માણ માટે બાળકોને ભણાવવાની હાર્દભરી અપીલ પણ કરી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપભાઈ પરમારે જણાવ્યું કે, વિચરતા સમુદાય સમર્થન મંચ, જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ વર્ષ ૨૦૨૨ સુધીમાં દરેકને ઘરનું ઘર આપવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા તરફ મહત્વનું કદમ છે. તેમણે કહ્યું કે કાકર મુકામે વિચરતી વિમુકત જાતિના કુલ-૧૮૫ લાભાર્થી કુટુંબોને રહેણાંક હેતુ માટે ૧૫,૪૭૫ ચો.મી.જમીન ફાળવવામાં આવી છે. ૨૧૪ લાભાર્થીઓને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ કુલ રૂ.૯૭.૧૨ લાખની સહાય ચુકવવામાં આવી છે. રાજ્ય શિક્ષણ મંત્રીકિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીના હસ્તે વસાહત, છાત્રાલય અને મહાદેવના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રિવેણી સંગમ કાકરના આંગણે અણમોલ અવસર છે. વર્ષોથી વિકાસથી વંચિત વિચરતી જાતિ સમુદાયના લોકો માટે વસવાટની સાથે શિક્ષણની પણ વ્યવસ્થા ઊભી કરાઇ છે. શિક્ષણના અભાવથી વ્યાપેલા કુરિવાજાે અને વ્યસનોથી મુક્ત થવા મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સૌ સંકલ્પબદ્ધ થઈએ. વિચરતા સમુદાય સમર્થન મંચના ફાઉન્ડર મિતલબેન પટેલે જણાવ્યું કે વિચરતી જાતિના સદીઓ જૂના સંતાપને આજે વિસામા મળ્યા છે. વિચરતા સમુદાયના લોકોને સ્થાયી કરવા સાથે સુવિધાઓ પુરી પાડવા બદલ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ પરબતભાઇ પટેલ અને ભરતસિંહ ડાભી, અગ્રણી ગુમાનસિંહ ચૌહાણ, અણદાભાઈ પટેલ, નંદાજી ઠાકોર, કલેકટર આનંદ પટેલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.