ડીસાના ભોંયણ નજીક વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ : દારુ અને ટ્રક સહિત રૂપિયા 50 લાખ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત
કપડાના જથ્થાની આડમાં વિદેશી દારૂ ભરીને લઈ જવાતો હતો
બોર્ડર રેન્જ ભુજની સાઇબર ક્રાઇમ ટીમે દારૂ ઝડપ્યો
દારુ અને ટ્રક સહિત રૂપિયા 50 લાખ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત
રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના મોટા ષડયંત્રનો બોર્ડર રેન્જ ભુજની સાયબર ક્રાઇમ ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે ડીસા હાઇવે પર ભોયણ નજીકથી 364 પેટી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી લઇ કુલ રૂપિયા 50 લાખ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કરી ટ્રક ડ્રાઇવરની અટકાયત કરી કુલ ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષકની સાઇબર ક્રાઇમની ટીમને રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ભરેલી ટ્રક નીકળનાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસની ટીમે વોચ ગોઠવતા ડીસા -પાલનપુર હાઇવે પર ભોયણ નજીક પસાર થતી ટ્રક નંબર આરજે 19 જીબી 5075 માં કાપડની ગાંસડીઓ ભરેલા પાર્સલ હતા. પોલીસે ટ્રક અટકાવી તપાસ કરતા કાપડની ગાંસડીઓ નીચે વિદેશી દારૂ ભરેલી પેટી મળી આવી હતી. જેથી ટ્રકને ડીસા તાલુકા પોલીસ સ્ટેશને લાવી તપાસ કરતા અંદરથી 364 પેટી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે ટ્રક ડ્રાઇવર પુરખારામ સ્વરૂપારામ જાટ (રહે.ખડીન, તા.રામસર, જી.બાડમેર રાજસ્થાન) ની અટકાયત કરી હતી જ્યારે દારૂનો જથ્થો મોકલનાર ભવરલાલ બાબુલાલ ગોદારા (રહે. કુડલા, તા.જી.બાડમેર, રાજસ્થાન) અને રામજીની ગોળ રાજસ્થાન ખાતે રહેતા ભેરુ નામના શખ્સ સામે પણ ગુનો નોંધ્યો હતો.
પોલીસની ટીમે કુલ 365 પેટ્ટી દારૂ (કિંમત 29,95,920 રૂપિયા), ટ્રક (કિંમત રૂપિયા 15 લાખ) તેમજ ડ્રાઇવર પાસેથી મળેલી રોકડ મોબાઈલ સહિત કુલ રૂપિયા 50, 95, 070 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.