પ્રવાસની મોજ : હરવા ફરવા માટે બનાસવાસીઓમાં માઉન્ટઆબુ,હોટ ફેવરીટ
ઉનાળુ વેકેશનના કારણે વિખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લોકોનો ઘસારો
નકી લેકમાં બોટિંગ સહિતના પ્રવાસન સ્થળોએ સહેલાણીઓની ભારે ભીડ ઉમટી
બનાસકાંઠા જિલ્લામાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે શાળા અને મહાશાળાઓમાં વેકેશનના કારણે લોકો પરિવાર સાથે તીર્થ અને પ્રવાસનધામોની મુલાકાતે ઉપડી ગયા છે. જેમાં રાજસ્થાનનું પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુ મોખરે છે.
રણ વિસ્તાર ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં હાલમાં આકરી ગરમી પડી રહી છે.તેથી બાળકોને ઉનાળુ વેકેશન હોઈ લોકો પરિવાર સાથે તીર્થ કે પ્રવાસન ધામોમાં રજાઓ ગાળે છે. તેમાં પણ ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન હોય છે .જોકે જિલ્લાવાસીઓમાં નજીકમાં આવેલ હિલ સ્ટેશન માઉન્ટ આબુ હંમેશા ‘હોટ ફેવરિટ’ રહ્યું છે .તેથી અંબાજી દર્શન કર્યા બાદ લોકો પરિવાર સાથે માઉન્ટ આબુ ઉપડી જાય છે. જેના કારણે હાલમાં માઉન્ટ આબુ સહેલાણીઓથી ઉભરાઇ રહ્યું છે. હિલ સ્ટેશન આબુના વિખ્યાત નખી લેક તળાવમાં લોકો પરિવાર સાથે બોટિંગનો આનંદ માણે છે .તો અહીં એન્ટીક ચીજ-વસ્તુઓનું મોટું બજાર છે તેથી લોકો આવી ચીજ વસ્તુઓ ખરીદે છે .વળી, દેલવાડા મંદિરની પ્રાચીન કલાકૃતિથી સહેલાણીઓ અભિભૂત થઈ જાય છે. તો આકાશને આંબતા ગુરુશિખરના પગથિયા ચઢી ભાવિકો ભગવાન દત્તાત્રેયના દર્શન કરવાનું ચૂકતા નથી. એ સિવાય સાંજ પડતા જ ઢળતા સુરજના અલૌકિક દ્રશ્યોને નિહાળવા સહેલાણીઓનો સનસેટ ઉપર જમેલો રહે છે.
ગેસ્ટ હાઉસો હાઉસફુલ: એક સ્થળે આનંદના અનેક અવસર સાથે માઉન્ટ આબુ ઊંચાઈ ઉપર આવેલું છે. ઊંચાઈ ઉપર હોવાના કારણે અહીં ઉનાળામાં પણ ઠંડક વર્તાય છે. જેના કારણે ગરમીથી રાહત મેળવવા સહેલાણીઓનો માઉન્ટ આબુમાં ભારે ઘસારો જોવા મળે છે. તેથી તમામ ગેસ્ટ હાઉસો હાઉસફુલ થઈ ગયા છે. સહેલાણીઓના ઘસારાના કારણે વેપારીઓ પણ ખુશખુશાલ નજરે પડી રહ્યા છે.તેમાં પણ અહીં રાતની રોનક ચાર ઘણી વધી જાય છે.