જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં ટ્રાફીક સમસ્યા વણસી : ટ્રાફિક સિગ્નલ આજે પણ બંધ હાલતમાં
વાહનોની લાંબી લાઈનો લાગતા વાહન ચાલકો સાથે લોકો ટ્રાફીકમાં અટવાય છે.
ટ્રાફિક સિગ્નલની યોગ્ય જાળવણી ન કરાતા હાલ ટ્રાફિક સિગ્નલ ધૂળ ખાઈ રહ્યા છે
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે એરોમાં સર્કલની ટ્રાફીક સમસ્યા નવાઈની વાત રહી નથી.પરંતુ હવે તો શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યા વણસી રહી છે. જે ટ્રાફીક સમસ્યાના નિરાકરણ માટે લાખોના ખર્ચે લગાવેલ ટ્રાફિક સિગ્નલ તૂટીને ધૂળ ખાઈ રહ્યાં છે.બીજી બાજુ, ચક્કાજામ ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે.જેનો ભોગ પાલનપુર સહિત બનાસ વાસીઓ બની રહ્યા છે.
પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે દસ વર્ષ અગાઉ ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હતા. જ્યાં ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા બાદ તેને શરૂ કર્યાના ગણતરીના દિવસો બાદ બંધ કરી દેવામાં આવ્યા હતા. જે ટ્રાફિક સિગ્નલ આજે પણ બંધ હાલતમાં પડ્યા છે. શહેરના મુખ્ય માર્ગો જેવા કે કોઝી, ગુરુ નાનક ચોક, સંજય ચોક સહિતના વિસ્તારમાં લાગેલ ટ્રાફિક સિગ્નલ હાલ ધુળ ખાતા જોવા મળી રહ્યા છે.
ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવી રહી છે.આ સિગ્નલને લગતા સ્પેરપાર્ટસ તૂટીને થાંભલે લટકતાં નજરે પડે છે અથવા તો આ સિગ્નલ આગળ લોકોએ બેનરો મારીને સિગ્નલ ઢાંકી દીધા છે. ટ્રાફિક સિગ્નલની હાલની દશા જોતાં જાણે તંત્ર આ ટ્રાફિક સિગ્નલ પ્રત્યે ઉદાસીનતા દાખવી રહી છે.અને શહેરમાં નડતી ટ્રાફિક સમસ્યાનું કોઈ નિરાકરણ આવે એવું દેખાતું નથી.
ટ્રાફીક સમસ્યા નિવારવા કોઈ નક્કર કાર્યવાહી નહીં: પાલનપુરના પ્રવેશદ્વાર સમાન એરોમાં સર્કલ ટ્રાફિકજામની વર્ષોની સમસ્યાથી બનાસવાસીઓ તોબા પોકારી ઉઠ્યા છે. શહેરમાં ટ્રાફિક સમસ્યાના નામે વારંવાર ખર્ચા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિક સ્થિતિ અંગે કોઈ નક્કર નિર્ણય ન લેવામાં આવતા સમસ્યા ઊકેલાતી નથી. જેને કારણે ટ્રાફિકની સમસ્યા ઉલટાનું દિન પ્રતિદિન વકરતી જાય છે.