પાલનપુર ન્યુ બસ પોર્ટમાં મેઇન્ટેન્સ મુદ્દે વેપારીઓનો હોબાળો: વેપારીઓ અને મેનેજમેન્ટ આમને-સામને
પાલનપુરનું ન્યુ એસ.ટી.બસ પોર્ટ સતત વિવાદોમાં ઘેરાયેલું રહે છે. ત્યારે ગતરોજ બસપોર્ટના મેઇન્ટેન્સને લઈને વેપારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં ન્યુ બસ પોર્ટમાં મળતી સુવિધાઓ ઘટતા વેપારીઓએ હોબાળો કર્યો હતો.
ન્યુ એસ.ટી.બસ પોર્ટ પર આવેલી દુકાનોમાં પર સ્કવેર ફિટ 250 રૂ. મેન્ટેનન્સ લેવામાં આવ્યું હતું. જોકે, મેઇન્ટેન્સ ના નામે કરોડો રૂપિયાનું ઉઘરાણું કર્યા બાદ હવે રોજબરોજ મેઇન્ટેન્સની સુવિધા ઓ ઘટતી જાય છે. લિફ્ટ સેવા, સફાઈ, સિક્યુરિટી સહિતની સેવા ઓછી થતા વેપારીઓએ મેનેજમેન્ટ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરતા હોબાળો થયો હતો.
મેનેજ મેન્ટ દ્વારા મેઇન્ટેન્સની જવાબદારી માંથી હાથ અઘ્ધર કરી દઈ આ જવાબદારી વેપારીઓને ઉપાડી લેવાનું જણાવતા વેપારીઓએ ભારે આક્રોશ ઠાલવી જરૂરી સુવિધાઓ પુરી પાડવાની માંગ કરી હતી. કેટલાક વેપારીઓને આજીવન તો કેટલાક વેપારીઓને 30 વર્ષના મેઇન્ટેન્સનું કહી કરોડો રૂપિયાનું ઉઘરાણું કર્યા બાદ મેનેજમેન્ટ હવે જવાબદારીમાંથી છટકી જવા માંગતુ હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ત્યારે ન્યુ બસ પોર્ટની હાલત આગામી દિવસોમાં મેઇન્ટેન્સ ના અભાવે બદથી બદતર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.