રાજપુરથી જુનાડીસા જતા મુખ્ય માર્ગ પર રેતી ભરેલા ડમ્પરોનો ત્રાસ
રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બેફામ બનેલા ભુ માફિયાઓને બનાસ નદીના પટમાંથી મોટા પાયે રેતી ચોરી કરતા વારંવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે છતાં ભૂ માફિયાઓ કેટલાક ચોર રસ્તાઓ શોધીને રેતીના ડમ્પરો નદીમાંથી બારોબાર પસાર કરાવતા હોય છે ત્યારે ડીસા તાલુકાના કુંપટ ગામની બનાસ નદીના પટમાંથી ક્વોરી સંચાલક દ્વારા પોતાના રેતી ભરેલા ડમ્પરો રાજપુર – જુનાડીસામાં મુખ્ય રોડ ઉપરથી પસાર કરવામાં આવી રહ્યા છે જે રેતી ભરેલા ડમ્પરોના ચાલકો દ્વારા પોતાની ડમ્પરો એકદમ સાંકડા રોડ ઉપર પુરપાટ ઝડપે ચલાવતા હોય છે જેના કારણે રોડ ઉપર ઠેરઠેર જીવલેણ ખાડા પડી જતા ગમખ્વાર માર્ગ અકસ્માતની દહેશત વર્તાય છે.જેથી આ રોડ ઉપર કે આજુ બાજુમાં રહેતા ફાર્મ હાઉસના માલિક તેમજ ખેડૂતો અને વાહન ચાલકો તથા રાહદારીઓ હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે સ્થાનિકો દ્વારા વારંવાર વહીવટી તંત્રને લેખિત અને મૌખિકમાં રેતી ભરેલા ડમ્પરો આ રોડ પરથી બંધ કરાવવા માટે રજૂઆતો કરવામાં આવી છે. છતાં વહીવટીતંત્ર દ્વારા આજ દિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા રવિવારે મોડેથી આજુબાજુના ખેડૂતો તેમજ ફાર્મ હાઉસના માલિક અને લોકોએ નાછૂટકે કાયદો હાથમાં લઈને આ રોડ પરથી પસાર થતાં તમામ રેતી ભરેલા ડમ્પરને અટકાવી ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો જેથી વાહનોની લાંબી લાઇનો લાગી જતા અન્ય વાહનો પણ ચક્કાજામમાં ફસાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રાફિક ચક્કાજામની જાણ થતાં કુંપટ ગામના ક્વોરીના માલિક તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મામલો દબાવવાની કોશિશ કરી હતી અને હવેથી આ રસ્તા ઉપરથી રેતી ભરેલા ડમ્પરો નહીં નીકળે તેવી ખાતરી આપી હતી જે બાદ સ્થાનિકો દ્વારા ચક્કાજામ હટાવી લેતા વાહન વ્યવહાર માંડ રાબેતા મુજબ ચાલુ થયો હતો.