ટોપ ટેન માર્કેટયાર્ડ જાહેર : બનાસકાંઠાનું ડીસા અને થરાદ માર્કેટયાર્ડ ટોપ ટેનમાં સામેલ

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત નિયંત્રિત બજાર સંઘ દ્વારા રાજ્યના આવકની દ્રષ્ટિએ ટોપ ટેન માર્કેટયાર્ડ જાહેર

ડીસા માર્કેટયાર્ડ મગફળીની 31 લાખ બોરીની આવક સાથે પણ સમગ્ર રાજ્યમાં મોખરે : સેક્રેટરી ગુજરાત રેગ્યુલેટેડ માર્કેટ ફેડરેશન (ગુજરાત નિયંત્રિત બજાર સંઘ)- અમદાવાદ દ્વારા નાણાંકીય વર્ષ 2023- 24 ના અંતે ગુજરાત રાજ્યના તમામ 226 માર્કેટયાર્ડની આવક- જાવકના હિસાબો રિવ્યૂ કર્યા બાદ આવકની દ્રષ્ટિએ ટોપ ટેન માર્કેટયાર્ડનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં બનાસકાંઠા જિલ્લાનું ડીસા છઠ્ઠા અને થરાદ સાતમા સ્થાને આવતા જિલ્લાના માર્કેટયાર્ડના ઇતિહાસમાં નવો અધ્યાય અલેખાયો છે. જે ગૌરવની ઘડીથી બનાસવાસીઓમાં ખુશાલી છવાઈ છે.

ગુજરાત નિયંત્રિત બજાર સંઘ દ્વારા જાહેર કરાયેલ આવકની દ્રષ્ટિએ રાજ્યના કુલ 226 માર્કેટયાર્ડ પૈકી ટોપટેન માર્કેટયાર્ડની યાદીમાં સુરત માર્કેટયાર્ડ 4355.69 લાખની આવક સાથે મોખરે રહ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતનું ઊંઝા માર્કેટયાર્ડ 4334.65 લાખની આવક સાથે બીજા નંબરે રહ્યું છે. તેમાં પણ બનાસકાંઠા જિલ્લાના મોખરાના ડીસા અને થરાદ માર્કેટયાર્ડએ ટોપટેનમાં સ્થાન મેળવી ઇતિહાસ આલેખ્યો છે.ટોપ ટેન રેન્કિંગ જાહેર થયા બાદ અમદાવાદ ખાતે યોજાયેલી ગુજરાત નિયંત્રિત બજાર સંઘની વાર્ષિક પ્રતિનિધિ સભામાં ટોપ ટેનમાં સ્થાન મેળવનાર તમામ માર્કેટયાર્ડના ચેરમેન અને સેક્રેટરીઓનું સન્માન કરાયું હતું.

આ બાબતે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમરતભાઈ જોષીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં ઊંઝા બાદ બીજા નંબરના ડીસા માર્કેટયાર્ડમાં 2023- 24 ના વર્ષમાં કુલ 14,80,26,358 કરોડની આવક થઈ છે. જે માર્કેટયાર્ડની સ્થાપના બાદ આજ સુધીની સૌથી વધુ આવક છે. એટલું જ નહીં, માર્કેટયાર્ડનું 2082,17,33,659 રૂ.નું ટર્નઓવર થયું છે. વળી, ચાલુ વર્ષે માર્કેટયાર્ડમાં ઉનાળુ અને ચોમાસુ સિઝનની મગફળીની 31 લાખ બોરીની આવક થઈ છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે.

રાજ્યના ટોપ ટેન માર્કેટયાર્ડ

1 સુરત 4355.69 લાખ

2 ઉંઝા 4334.65 લાખ

3 રાજકોટ 3691.36 લાખ

4 ગોંડલ 3239.66 લાખ

5 અમદાવાદ 2338.36 લાખ

6 ડીસા 1480.26 લાખ

7 થરાદ 1450.84 લાખ

8 વડોદરા 1351.12 લાખ

9 મહુવા 1113.14 લાખ

10 હળવદ 1017.97 લાખ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.