ડીસામાં લૂંટ કરનાર આરોપીઓનો ખોફ દૂર કરવા જાહેરમાં વરઘોડો કઢાયો
ડીસામાં આંગડિયા પેઢીની લાખો રૂપિયાની લૂંટ કરનાર લૂંટારાઓને બનાસકાંઠા પોલીસે ઝડપી લઇ આ લૂંટારાઓ રીઢા ગુનેગાર હોઇ લોકોમાં તેઓનો ખોફ દૂર કરવા ડીસામાં પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
ડીસામાં પાંચેક દિવસ અગાઉ એચ.એમ. આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રૂપિયા 46 લાખ ઉપરાંતની રકમ ભરેલો થેલો બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવ્યો હતો. જે બાબતે આંગડિયા પેઢીના કર્મચારી નિકુલ પંચાલની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આ કેસમાં સતત પાંચ દિવસ સુધી અઢીસોથી વધુ સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ અને હ્યુમન સર્વિલન્સની મદદથી તેમજ રીઢા ગુનેગારોની પૂછપરછના આધારે પોલીસે કુલ સાત આરોપીઓની ધરપકડ કરી હતી.
જે અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજ્યા બાદ તમામ આરોપીઓને ડીસા ખાતે લવાયા હતા. પોલીસ દ્વારા લોકોમાં ગુનેગારોનો ખોફ દૂર થાય તે હેતુથી લૂંટ થયેલ વિસ્તાર લાલચાલી સહિત આરોપીઓ જે વિસ્તારમાં રહે છે તે વિસ્તાર તેરમી નાળા, બેકરી કુવા, જુના બસ સ્ટેશન, ફુવારા વિસ્તારમાં આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી ફેરવવામાં આવ્યા હતા. પોલીસે તેઓને જાહેરમાં વરઘોડો કાઢી મેસેજ આપ્યો હતો કે આવા તત્વોથી ડરવું નહીં.
Tags Public remove robbery slaughtered