ડીસામાં પેટ્રોલના બેફામ ભાવ વધારા સામે આમ આદમીના કાર્યકરોનો વિરોધ
રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના મહામારી વચ્ચે ડીસામાં પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવવધારાનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીના ૧૦ જેટલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવાનું હોઈ એકઠા થયેલ કાર્યકર્તાઓ રોડ રોકતા આ તમામ કાર્યકતાની પોલીસે અટકાયત કરી હતી. કાર્યકર્તાઓએ પેટ્રોલ ડીઝલ ભાવ વધારા મામલે કેન્દ્ર સરકાર વિરોધી સુત્રોચાર કરતા તમામની અટકાયત કરવામાં આવી હતી.
બનાસકાંઠાના ડીસામાં સોમવારે પેટ્રોલ ડીઝલના ભાવવધારા મામલે આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેકટરને આવેદન આપવાનું હતું ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા કેન્દ્ર સરકાર વિરોધી ભારે સુત્રોચાર સાથે નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચે તે પહેલાં જ ઉત્તર પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી રમેશભાઈ નાભાણી સહિતના દસેક કાર્યકરોની અટકાયત કરી ઉત્તર પોલીસ મથકે લઇ જવાયા હતા.