રાજસ્થાનના જાલોર નજીક માર્ગ અકસ્માત, ડીસાના જાંબાઝ જીવદયા પ્રેમી ભરત કોઠારી સહિત ત્રણ જૈન યુવકના મોત

ગુજરાત
ગુજરાત

ડીસા સહિત જિલ્લાના જાણીતા જીવદયા પ્રેમી સહિત ત્રણ જૈન યુવકનું રાજસ્થાનના જાલોર નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં અકાળે નિધન થતાં બનાસવાસીઓના હૈયા હચમચી ઉઠવા સાથે હર કોઈએ આઘાતનો આંચકો અનુભવ્યો છે. જાંબાઝ અને બાહોશ જીવદયા પ્રેમી અને અબોલ પશુ જીવોના મસીહા ગણાતા ભરતભાઈ કોઠારીના અકાળે નિધનથી જીવદયા ક્ષેત્રે જાણે શૂન્યાવકાશ સર્જાયો છે.

બનાસકાંઠા સહિત ગુજરાત અને છેક રાજસ્થાનના કતલખાને ધકેલાતા અબોલ પશુ જીવોને જીવના જોખમે બચાવનાર ભરતભાઇ કોઠારી અબાલ વૃદ્ધોમાં જીવદયા પ્રેમી તરીકેની ઉમદા ઓળખ ધરાવતા હતા. જેઓ મોતના મુખમાં ધકેલાતા અસંખ્ય પશુજીવોને બચાવી સાચા અર્થમાં અબોલ જીવોના તારણહાર પુરવાર થયા હતા. રાજપુર અને કાંટ પાંજરાપોળમાં હજારો નહિ પણ લાખો પશુજીવોને નિભાવી સફળ સંચાલક તરીકે ની ઉજળી પ્રતિભા પણ ધરાવતા હતા. જીવદયા ક્ષેત્રે આજીવન ખડેપગે રહી અબોલ જીવોના જતન માટે સતત ઝઝૂમતા રહ્યા હતા. તેમના મોતથી ડીસા સહિતની પાંજરાપોળ અને ગૌશાળાઓના સંચાલકો અને જીવદયા પ્રેમીઓએ મજબૂત અને વિશ્વસનીય સાથી ગુમાવ્યો હોવાની લાગણી દર્શાવી છે. તાજેતરમાં કોરોના કાળમાં એકમાત્ર આધાર સ્તંભ ગણાતી દાતાઓની સખાવત બંધ થઈ જતા પાંજરાપોળ અને ગૌશાળાઓમાં અબોલ જીવોને ભૂખે મરવાનો વારો આવ્યો હતો. તે માટે તેમણે સંચાલકોને સાથે રાખી લડત ચલાવ્યાંને ગણતરીના સમયમાં તેમનું મોત થતાં શોકમગ્ન સ્થિતિ સર્જાઈ છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાની રાજપુર- ડીસા પાંજરાપોળના સંચાલક ભરતભાઇ કોઠારીનું અકસ્માતની ઘટનામાં મોત થયુ છે. જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારી, વિમલભાઇ જૈન અને રાકેશભાઇ જૈનને રાજસ્થાનના જાલોર પાસે માર્ગ અકસ્માત નડયો હતો. માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારી સહિત ત્રણ વ્યક્તિના મોત થતાં અરેરાટી સાથે હાહાકાર મચી ગયો છે. પાંજરાપોળ સંચાલકોના આગેવાન અને બનાસકાંઠાના પ્રથમ હરોળના જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારીના મોતથી જિલ્લાભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મૃતક ભરતભાઇ કોઠારીએ તાજેતરમાં કોરોના કાળમાં પાંજરાપોળ સંચાલકોની કફોડી હાલત અંગે આંદોલન સહિત લડત ચલાવી હતી અને રાજ્ય સરકાર સમક્ષ પાંજરાપોળો અને ગૌશાળા ઓમાં નભતા લાખો અબોલ જીવોની વેદનાને વાચા આપી હતી. જેથી રાજ્ય સરકારે પશુ દીઠ સહાય મંજુર કરી હતી. જોકે તેના ગણતરીના દિવસોમાં મોત થતાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતની પાંજરાપોળ, ગૌશાળા અને ગૌરક્ષક સંસ્થાઓને મોટી ખોટ પડી છે. પ્રખર જીવદયા પ્રેમી અને અબોલ જીવોના મસીહા ગણાતા ભરતભાઇ કોઠારીના અકાળે નિધનથી પંથકે એક બાહોશ અને નીડર યોદ્ધા ગુમાવ્યો છે. તેથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લા અને રાજસ્થાનમાં પણ શોકની લાગણી છવાઈ છે. જ્યારે જીવદયા પ્રેમીઓએ તેમના આકસ્મિક નિધનથી આઘાતનો આંચકો અનુભવ્યો છે. મોટા ગજાના જીવદયા પ્રેમીના નિધનથી ખાલીપો સર્જાયો છે. તેથી કરુણ ઘટનાને લઈ બનાસવાસીઓના હૈયા હચમચી ઉઠ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.