…તો થરાદમાં નેતાઓને ચૂંટણીમાં મચ્છરનો ડંખ લાગશે !

ચૂંટણી 2022
ચૂંટણી 2022

(રખેવાળ ન્યૂઝ)થરાદ, થરાદની ગણેશ સોસાયટીમાં ૧૦ દિવસ છતાં કચરો લેવા વાહન નહીં આવતા ગંદકીનું સામ્રાજ્ય છવાવા પામ્યું છે. મચ્છરોએ માથું ઉંચકતા ડેન્ગ્યુના ચાર કેસ બહાર આવતાં રહીશોમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરવા પામી છે. રોષે ભરાયેલી મહિલાઓએ આગામી વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.થરાદમાં તાલુકા પંચાયત કચેરી પાસે આવેલી ગણેશ સોસાયટીમાં રહીશો સ્વચ્છતાના મુદ્દે પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે.

આ વિસ્તારની મહિલાઓએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ દિવસથી તેમના દ્વારા કચરો એકઠો કરી રાખવામાં આવતો હોવા છતાં પણ કચરાનું વાહન આવતું નથી. આથી જો કચરો ભેગો કરીને રાખવામાં આવે તો ઘરમાં ગંદકી થાય છે, વાસ આવે છે, બહાર મુકવામાં આવે તો ગાય આખલાના ત્રાસથી મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. અને બહાર નાખીએ તો લોકો બોલે છે કે અહીં મત નાખો, તેમના વિસ્તારના રોડની પણ સાફ-સફાઈ નહીં થતી હોવાના કારણે આજુ બાજુ કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગટર લાઈનમાં કચરો જમા થવાના કારણે તેની સફાઈ નહીં થતાં તે ઉભરાઈ રહી છે. જેના કારણે મચ્છરોનો ત્રાસ વધી જતાં રહીશો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

થરાદની ગણેશ નગર સોસાયટીમાં દિવાળી પછી એક જ વખત કચરો લઇ જવાતાં અને નિયમિત સફાઈ નહીં થતી હોવાના કારણે મચ્છરોનો ત્રાસ ભારે ઉત્પાત મચાવી રહ્યો છે. સોસાયટીના બાળકો સહિત ચાર વ્યક્તિઓને ડેન્ગ્યુ થવા પામ્યા છે. જેમના કારણે રહીશોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.

આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. વારંવાર ફોન કરવા છતાં પણ વાહન મુકીએ છીએના જવાબ આપવામાં આવે છે. પણ કચરો લઇ જવાની કે ગટર સાફ કરવાની કોઇ કામગીરી કરવામાં આવતી નથી. પાવડરનો છંટકાવ કરવામાં આવતો નથી.આથી નગરપાલિકાની કોઇ જ કામગીરી દેખાતી નથી. જ્યારે વોટ લેવાના હોય છે ત્યારે આવે છે. આથી હવે અમે એટલા ત્રાસી ગયા છીએ કે હવે અમે વોટ જ નથી આપવાના અને અહીંયા કોઇ જોવા પણ નથી આવતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.