બનાસકાંઠામાં સંતે મીઠો ઠપકો આપ્યો અને બનવા લાગ્યો શ્રીફળનો પહાડ
આજે હનુમાન જયંતિએ તમને દર્શન કરાવીએ એક એવા હનુમાન મંદિરના કે જે મંદિર જ ‘શ્રીફળ મંદિર’ તરીખે ઓળખાય છે. જ્યાં અંદાજિત ચાર માળ જેટલો ઊંચો શ્રીફળનો પહાડ છે. વર્ષોથી લાખો શ્રીફળ પડ્યા હોવા છતાં એકપણ નારિયેળ બગડતું નથી કે નથી જરાય દુર્ગંધ આવતી..આ શ્રીફળ મંદિર પાછળની દંતકથા પણ રોચક છે.બનાસકાંઠા જિલ્લાના લાખણીથી છ કિલોમીટરના અંતરે આવેલા ગેળા ગામમાં આ શ્રીફળ મંદિર આવેલું છે. જ્યાં શ્રદ્ધારૂપી શ્રીફળનો પહાડ સર્જાયો છે. દંતકથાઓ મુજબ અંદાજે સાતસો વર્ષ પહેલા અહીં ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની શીલા પ્રગટ થઇ હતી અને આ સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિનો ઇતિહાસ ખુબ જ રસપ્રદ છે. જે આ અહેવાલમાં વિગતવાર વાંચીએ..
દંતકથા મુજબ ગેળા ગામે કેટલાક ગોવાળ ગયો ચરાવતા હતા અને ખીજડાના ઝાડ નીચે આરામ કરતા હતા એ તેમનો નિત્યક્રમ હતો. એક વખત ખીજડાના ઝાડ નીચે એક શીલા દેખાઈ એટલે એની જાણ થતા ધર્મપ્રેમી લોકોએ તેને હનુમાનજીની મૂર્તિનો અવતાર ગણી પૂજા કરી પરંતુ કેટલાક અધર્મીઓએ મૂર્તિને સામાન્ય પથ્થર ગણી તેની ચકાસણી કરવા ત્યાં ખોદકામ કર્યું પરંતુ શીલાનો અંત ન આવ્યો. શીલાનો અંત ન આવતાં જૂના પખાલામાં કામ કરતા પાડાઓ વડે દોરડાઓથી બાંધીને શીલાને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ ઝેરના પારખાં ન હોય તેમ તરત જ પાડાઓ મરી ગયા અને શીલા સ્વરૂપે હનુમાનજી ત્યાં સ્થાયી થયા. બસ ત્યારથી ગ્રામજનો આ શીલાને હનુમાન દાદાના નામથી પૂજવા લાગ્યા.દંતકથા મુજબ આ હનુમાન મંદિરે વર્ષો પહેલા એક સંત આવી પહોંચ્યા અને જેમણે હનુમાન દાદાના મંદિરે પડેલા કેટલાક શ્રીફળ વધેરીને બાળકોને પ્રસાદ રૂપે વહેંચ્યા હતા. એજ સાંજે એકાએક આ સંત બીમાર પડી ગયા અને જેમને પેટનો દુખાવો પણ ઉપડ્યો. જોકે, આ સંતે હનુમાન દાદાને પ્રાર્થના કરી કે હે હનુમાનજી મેં આજે તમારા મંદિરથી કેટલાક શ્રીફળ વધેરી બાળકોને પ્રસાદ રૂપે વહેંચ્યા છે. જેના કારણે જો હું બીમાર થયો હોઉં તો હું સવારમાં આવી તમારા મંદિરે જેટલા શ્રીફળ વધેર્યાં છે તેના ડબલ કરી મુકીશ. બસ આટલું કહેતા સંતની તબિયત સારી થઇ ગઈ અને સવારમાં આ સંતે ગેળા ગામે આવેલા હનુમાન દાદાના મંદિરે જઈ જેટલા શ્રીફળ વધેર્યાં હતા તેના ડબલ શ્રીફળ મૂકી હનુમાન દાદાને મીઠો ઠપકો આપ્યો કે, ‘હે હનુમાન દાદા તે મારા જેવા સંત જોડેથી ડબલ શ્રીફળ લીધા છે તો જાઓ હવે અહીં શ્રીફળનો પહાડ કરી બતાવજો’ બસ ત્યારથી આ મંદિરે ધીરે ધીરે ભક્તોનો ધસારો વધવા લાગ્યો અને શ્રીફળનો પહાડ બનવા લાગ્યો..
અહીં આવતા શ્રદ્ધાળુ શ્રીફળ વધેરવાની સાથે સાથે શ્રીફળ ગગડતુ મુકે છે. આ શ્રીફળના પહાડમાંથી નથી તો કોઈ શ્રીફળ લઇ જઈ શકતું અને વર્ષોથી પડેલા આ શ્રીફળ નથી બગડતા કે નથી કોઈ પણ પ્રકારની આ શ્રીફળના પહાડમાંથી દુર્ગંધ આવતી. આ શ્રીફળના પહાડથી આ મંદિરનું નામ પણ શ્રીફળ મંદિર રાખવામાં આવ્યું છે. આ મંદિરે દર શનિવારે દૂર દૂરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહનો લઈને દર્શન કરવા આવે છે. અહીં શનિવારે મીની મેળા જેવો માહોલ જોવા મળે છે. અહીં આવતા શ્રદ્ધાળુ હનુમાન દાદાના મંદિરે કોઈ શ્રીફળ વધેરે છે તો કોઈ શ્રીફળ ગગડતું મૂકે છે. આ મંદિરે દાન પેટીમાં આવતી રકમ ગૌશાળામાં આપી દેવામાં આવે છે.