પાલનપુરના અંબાજી મંદિર માં પ્રાચીન ગરબાની રમઝટ
પાર્ટી પ્લોટ કલ્ચર વચ્ચે આકર્ષણ જમાવતા ગરબા: ગુજરાતની આગવી ઓળખ સમો નવરાત્રિ મહોત્સવ ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે પાર્ટી પ્લોટના વધતા જતા ક્રેઝ વચ્ચે આજે પણ પાલનપુરના અંબાજી મંદિરમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા પ્રાચીન ગરબાઓ ભારે આકર્ષણ જમાવી રહ્યા છે.
ભક્તિ અને શક્તિના પ્રતિક સમાં નવરાત્રિ પર્વની ઉજવણીમાં પાર્ટી પ્લોટના વધતા જતા ચલણ વચ્ચે શેરી ગરબાઓનું મહત્વ ઘટી રહ્યું છે. ત્યારે પાલનપુરના અતિ પૌરાણિક શ્રી અંબાજી મંદિરમાં આજે વર્ષો બાદ પણ પ્રાચીન ગરબાઓની રંગત જામે છે.
અંબાજી મંદિરના ચાચર ચોકમાં માત્ર બહેનો જ ગરબે ઘૂમી “માં” ના ગુણલા ગાય છે. છેલ્લા વીસેક વર્ષથી શાંતાબેન પુરોહિત નામના 81 વર્ષના વૃધ્ધા સહિતની મહિલા ઓ પણ માથે ગરબો લઈને ગરબે ઘૂમી “માં” ની આરાધના કરે છે. આમ, નવરાત્રિના વ્યાપારીકરણ અને પાર્ટી પ્લોટ કલ્ચર વચ્ચે શેરી ગરબાઓની યાદ તાજી કરાવતા પાલનપુરના અંબાજી મંદિરના ગરબા ધૂમ મચાવી રહ્યા છે.