રખેવાળ Exclusive : જુનાડીસા નજીક રેવન્યુ વિભાગે 103 હેક્ટર જમીન પ્રાણી સંગ્રહાલય બનાવવા ફાળવી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં બનશે રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય

-અંદાજિત 300 કરોડના ખર્ચે બનશે તમામ સુવિધાઓ સંપન્ન ગુજરાતનું સૌથી મોટુ તેમજ ઉત્તર ગુજરાતનું સૌ પ્રથમ પ્રાણી સંગ્રહાલય

-વન સંરક્ષણ વિભાગને ટૂંક સમયમાં જ જમીનની ફાળવણી કરાશે

-જમીન વન વિભાગને સોપાયા બાદ કેન્દ્રીય ઝૂ કેન્દ્ર પાસેથી નકશો પાસ કરાવી ઝૂ બનાવવાની કામગીરી શરૂ કરાશે

-ડીસામાં ઝૂ બનવાથી આસપાસની જમીનોનાં ભાવ સોનાની લગડી સમાન બનશે- ધંધા રોજગારની પણ અનેક તકો ઉભી થશે

-વર્ષો જૂની માંગણી સંતોષાતા દિવાળી પૂર્વેની ભેટથી બનાસવાસીઓ ખુશખુશાલ

-ટૂંક સમયમાં જ પ્રાણી સંગ્રહાલય માટેની સેદ્ધાંતિક મંજૂરી મળે તેવી શક્યતા

– બાલારામ ખાતે સફારી પાર્ક બનાવવાનો પ્રોજેક્ટ પણ લાઈનમાં – સુપ્રીમ કોર્ટની મંજુરી બાદ થશે બાલારામ સફારી પાર્કની જાહેરાત

રાજસ્થાન રાજ્યની સરહદે આવેલ ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં હવે ઉતર ગુજરાતનું સૌ પ્રથમ પ્રાણી સંગ્રહાલય બનવાની શક્યતાઓ વધી ગઈ છે. જિલ્લાનાં વેપારી મથક ડીસા ખાતે રાજ્ય મહેસુલ વિભાગે પ્રાણી સંગ્રહાલય / સફારી પાર્ક બનાવવા માટે 103 હેક્ટર જેટલી જામીન ફાળવી છે. આ જમીન પર ગુજરાતનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય બનાવવા વન સંરક્ષણ વિભાગને આ જગ્યા સોંપવામાં આવશે. દિવાળી પૂર્વે જિલ્લામાં પ્રાણી સંગ્રહાલય બનવાના વહેતા થયેલા સમાચારોથી જિલ્લાવાસીઓમાં પણ ખુશીની લાગણી છવાઈ છે.

સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, બનાસકાંઠા સહીત સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક પણ પ્રાણી સંગ્રહાલય નહિ હોવાથી વર્ષોથી જિલ્લાવાસીઓ સરકાર પાસે પ્રાણી સંગ્રહાલય બનાવવાની માંગ કરી રહ્યાં હતાં. ત્યારે 4 ઓક્ટોબરે રાજ્ય સરકારનાં મહેસુલ વિભાગે જુનાડીસાથી વાસણા રોડ પરની 103 હેકટર એટલે કે 256 એકર જેટલી વિશાળ જમીન પ્રાણી સંગ્રહાલય બનાવવા મંજુર કરી છે, જે જમીન ટૂંક સમયમાં જ વન સંરક્ષણ વિભાગને સોંપવામાં આવશે. ત્યારબાદ વન વિભાગ રાજ્ય સરકાર પાસે બજેટની માંગણી કરશે, બજેટ મંજુર થયા બાદ  રાજ્ય સ્તરે અથવા તો જિલ્લા વન વિભાગ સ્તરેથી આર્કીટેકની નિમણુંક કરી પ્રાણી સંગ્રહાલયની સમગ્ર રૂપરેખા સહીત નકશો તૈયાર કરાશે. જે નકશો કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય કેન્દ્ર પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે, ત્યાંથી નકશો મંજુર થયા બાદ બનાસકાંઠાનાં જુનાડીસા ખાતે ઉતર ગુજરાતનાં સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનાં નિર્માણનું કાર્ય શરૂ કરાશે. તેમ જિલ્લા વન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાણી સંગ્રહાલય બનવાથી ડીસામાં વિકાસની નવી દિશાઓ ખુલશે: બનાસકાંઠા જિલ્લાના જુનાડીસા ખાતે નિર્માણ પામનાર પ્રાણી સંગ્રહાલયથી આસપાસના વિસ્તારોનો જબરજસ્ત વિકાસ થશે. તેમજ ધંધા રોજગારની પણ નવીન તકો ખુલશે, પરિણામે જિલ્લાનાં યુવાનો માટે રોજગારનાં નવીન અવસરો પણ ઉભા થશે.

પ્રાણી સંગ્રહાલય માટે જમીન મંજુર થવાથી આસપાસની જમીનોનાં ભાવ આસમાને પહોંચે તેવી ધારણા: કોઈપણ જગ્યાએ નવીન વિકાસ કાર્યોનું નિર્માણ થવાથી આસપાસના વિસ્તારોની જમીનોની માંગ ખુબ જ વધી જતી હોય છે. જુના ડીસાથી વાસણા રોડ પર 103 હેકટર જેટલી વિશાળ જમીન પ્રાણી સંગ્રહાલય માટે મંજુર થતાં હવે અહીં ધંધા-રોજગાર, રહેણાંક સહિતના વિસ્તારોનો વિકાસ થશે. આસપાસની જમીનોની માંગ વધતાં જમીનોની કિંમતમાં પણ ધરખમ વધારો થવાની શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.