થરાદના ચકચારી હત્યા કેસનો મુખ્ય આરોપી સુરતથી પકડાયો કોર્ટમાંથી ઘરે જતા ગેંગે ઘાતકી હત્યા કરી હતી
ચાર માસ અગાઉ થરાદ કોર્ટમાં મુદત પતાવી ઘરે જતા દંપતિની બાઇકને ગાડીની ટક્કર મારી પતિની ઘાતકી હત્યાના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈ ખાતેથી ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે વર્ષ 2023 માં 27 મી નવેમ્બરે થરાદમાં મફાભાઈ લુબાભાઈ પટેલ અને તેની પત્ની કોર્ટમાં મુદત પૂર્ણ કરી ઘરે જતા હતા.જે દરમિયાન આરોપીઓ ભગીરથ વર્ધાજી બારોટ પીન્ટુ ઉર્ફે ભરત વર્ધાજી બારોટ દશરથ બાબુભાઈ બારોટ અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમોએ બોલેરો તેમજ સ્વીફ્ટ કારમાં આ દંપતીનો પીછો કર્યો હતો. જેમણે ટડાવ બાલુંત્રી રોડ ઉપર મફાભાઈ પટેલની બાઈકને કાર વડે જોરદાર ટક્કર મારી આડેધડ ફાયરિંગ કરી ચપ્પુના ઉપરા-છાપરી ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જે અંગેનો ગુનો માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.જેમાં સુરતનો માથાભારે અને કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાંઠીની પણ સંડોવણી હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.પણ તે ફરાર હતો. જેને સુરત પોલીસે ઝડપી બનાસકાંઠા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી