ડીસાના લીઝ ધારકોએ રસ્તા ચાલુ રાખવા બાબતે એસડીએમને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

એસડીએમના એકતરફી જાહેરનામાથી રેતીનો વ્યવસાય ઠપ્પ: ડીસા તાલુકાની બનાસ નદીમાંથી રેતી ભરીને નીકળતા ડમ્પરોને જાહેર રસ્તા પર નહીં ચલાવવાનું સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેથી લીઝ ક્વોરી ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે અને હજારો ડમ્પરો ટ્રકોના પૈડા થંભી જવા પામ્યા છે. જેથી આ જાહેરનામું એક તરફી રીતે પાડવામાં આવ્યું હોવાનું જણાવી આ રસ્તા ચાલુ રાખવા લીઝ હોલ્ડરો અને ટ્રક માલિકો દ્વારા ડીસા એસડીએમને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ડીસાની બનાસ નદીમાંથી રેતી ભરીને નીકળતા વાહનો માટે ડીસાથી રાણપુર રોડ, ભડથ રોડ તેમજ જુનાડીસાથી સદરપુર રોડ પર રેતી ભરીને નીકળવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું ડીસાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યું છે કે, આ ત્રણેય રસ્તા પરથી રેતી ભરેલા વાહનો અવરજવર કરી શકશે નહીં તેમજ રેતી ભરેલા વાહનો નદીની અંદરથી ભેખડે ભેખડે ચલાવી બનાસ નદીના પુલ પાસે બહાર કાઢી નેશનલ હાઈવે પરથી જઈ શકશે.તંત્ર દ્વારા પાડવામાં આવેલા આ જાહેરનામાંથી હાલમાં રેતીનો સમગ્ર વ્યવસાય ઠપ્પ થઈ જવા પામ્યો છે. કારણ કે તંત્ર દ્વારા નદીની અંદર ભેખડે ભેખડે રેતી ભરેલું કોઈ પણ વાહન ચલાવવું શક્ય જ નથી. આ ઉપરાંત તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના વૈકલ્પિક રસ્તા બનાવ્યા વગર જ રેતીના વાહનોને મુખ્ય રસ્તા પરથી ચાલવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેનાથી લીઝ ધારકોમાં તેમજ ટ્રક માલિકોમાં નારાજગી વ્યાપી જવા પામી છે.

આ ઉપરાંત તંત્ર દ્વારા મુખ્ય રસ્તા પરથી માત્ર રેતીના વાહનોને જ પ્રતિબંધ મુકાયો છે જ્યારે આ ત્રણેય રસ્તા પર 35 થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા હોવાથી દરરોજ બટાકા ભરેલી હેવી ટ્રકો બેફામપણે ચાલી રહી છે. જેના પર કોઈ પ્રકારનો પ્રતિબંધ લગાવાયો નથી. આ ઉપરાંત પણ દૂધ, સિમેન્ટ, કપચી, લોખંડ તેમજ ખેત ઉત્પાદનો ભરેલા ભારે હેવી વાહનો આ રસ્તા પર બેરોકટોકપણે અવરજવર કરી રહ્યા છે. તેમ છતાં માત્ર રેતી ભરેલા વાહનોને નીકળવા પર પ્રતિબંધ મુકાતા આજે લીઝ હોલ્ડરો અને ટ્રક માલિકો દ્વારા ડીસાના નાયબ કલેકટર સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ બાબતે લીઝ હોલ્ડરોએ જણાવ્યું કે,”માત્ર રેતી ભરેલા વાહનો પર પ્રતિબંધ મૂકી એક તરફી જાહેરનામું બહાર પડાયું છે જેના કારણે સમગ્ર રેતીનો વ્યવસાય ઠપ્પ થઈ ગયો છે. જેના કારણે હજારો લોકોને રોજીરોટી પર પણ અસર પડી રહી છે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.