ભારત ભ્રમણની યાત્રા કરી પરત ફરેલા ખેડૂતોનું સ્વાગત કરાયું
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ને દેશભરના યાત્રાધામ અને જોવાલાયક સ્થળોનો પ્રવાસ માટે કિસાન યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં ૯૦૩ કિસાનો સવા માસ અગાઉ પાલનપુર ખાતેથી બનાસ સ્પેશયલ ટ્રેન મારફતે ભારત ભ્રમણની યાત્રાએ ગયા હતા. જે યાત્રીઓ પ્રવાસ કરી પરત ફરતા તેમનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરાયું હતું.
બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે કિસાન યાત્રાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ગત વર્ષે કોરોનાને લઈ કિસાન યાત્રા રદ રહી હોઇ આ વર્ષે ફરી કિસાન યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મહિલાઓ સહિત ૯૦૩ કિસાનો જોડાયા છે. અને આ કિસાન ભાઈ બહેનો ગત તા.૧ સપ્ટેબરના રોજ સવા મહિનાની ભારત ભ્રમણની યાત્રા પાલનપુર રેલવે સ્ટેશન પર થી બનાસ કિસાન સ્પેશ્યલ ટ્રેનમાં રવાના થયા હતા.
જોકે, આ યાત્રામાં યાત્રીઓએ ઉત્તર અને દક્ષિણ ભારતની સાથે ધાર્મિક સ્થળો અને જોવાલાયક સ્થળોનો પ્રવાસ કરી સવા મહિને પરત ફરતા ઘાણઘા ખાતે તેમનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, બનાસકાંઠાના ખેડુતો યાત્રાની સાથે ભારત ભ્રમણ કરી શકે તે માટે પાંચ વખત કિસાનયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં દશ હજાર જેટલા ખેડુતો યાત્રામાં જોડાઈ ભારત ભ્રમણ કર્યું છે.