જિલ્લા ફૂડ અને ડ્રગ્સ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં ઘોરતું હોવાની રાડ
લાખણીમાં મીઠાઈ અને ફરસાણ વિક્રેતાઓ બેલગામ ભેળસેળ વાળી મીઠાઈ અને ફરસાણનું વેચાણ : જન આરોગ્ય જોખમમાં
દિવાળીના તહેવારોના દિવસોમાં સામાન્ય રીતે લોકો દુકાનેથી મીઠાઈ અને ફરસાણ ખરીદી પરિવાર સાથે મોજ માણે છે.જેથી ગુજરાત સરકાર દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનો માટે કાનૂન બનાવેલ છે. જેમાં દુકાન- સ્ટોરની સ્વચ્છતા પાયાની છે. મીઠાઈ કે ફરસાણ ખુલ્લામાં ન રાખતાં તેને કાચમાં કે પલાસ્ટિકના કવરમાં રાખવા, જેથી ધૂળ કે અન્ય રજકણો ન ચોંટે, કારણ કે મીઠાઈ અને ફરસાણ એ ખાદ્ય પદાર્થ છે અને જો એમાં ભેળસેળ કે પછી પૂરતી તકેદારી રાખવામાં ન આવે તો લોકો રોગના ભોગ બની શકે છે.
માટે સરકાર દ્વારા આ બાબતોની તકેદારી અને સમયાંતરે તપાસ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાર્યરત છે પણ બનાસકાંઠા જિલ્લામાં આ વિભાગ કુંભકર્ણ નિદ્રામાં હોવાની રાડ ઉઠી છે. તહેવારોના સમયમાં નક્કી કરેલ વહીવટ થઈ જતો હોવાથી અધિકારીઓ તપાસમાં આવતા જ નથી અને આવે તો પણ અગાઉથી જાણ કરીને આવે છે અને દિવાળી ઉઘરાવી સબ સલામતના દાવા કરી પરત જતા રહે છે.
લાખણીમાં મીઠાઈ અને ફરસાણની અનેક દુકાનો આવેલ છે. દીપાવલી પર્વ અગાઉ પણ લોકોની રાડ હતી કે અમુક દુકાનોમાં તપાસ હાથ ધરીને જરૂરી સૂચનો કરવા પણ અધિકારીઓ આ બાજુ ફરકયા જ નથી. ત્યારે લોકોએ જે જે દુકાનો ખાદ્ય પદાર્થોનું વેચાણ કરે છે એ તમામ દુકાનોની તપાસ હાથ ધરવામાં આવે અને જ્યાં પણ ગડબડ લાગે એના સેમ્પલ લઈને ચકાસણીમાં મુકવામાં આવે અને સ્વચ્છતાની તકેદારી રાખવાનું સૂચન કરાય, ભાવતાલમાં પણ યોગ્ય અને ગ્રાહકોને પોસાય તેવા ભાવ લેવા ટકોર કરવામાં આવે.
આકસ્મિક તપાસ કરવાની લોક માંગ: મોંઘવારી વચ્ચે લાખણીમાં બ્રાન્ડેડ વસ્તુઓના નામ સાથે ચેડાં કરીને ભળતા નામથી તેલ-ઘી વગેરેનું વેચાણ થઈ રહ્યું છે. સમયાંતરે તોલ માપના કાંટાની પણ ચોકસાઈ કરવી જોઈએ, ખોટી રીતે માલનો સંગ્રહ કરીને બજારમાં માલની અછત ઉભી કરતા તત્વો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવી જોઈએ, એમ.આર.પી. કરતાં વધુ કિંમત વસુલ કરતા તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે તેમજ મરચું હળદર વગેરે જે લુજમાં વેચાણ માટે ખુલ્લામાં મુકવામાં આવે છે તો એના સેમ્પલ લઈને તપાસમાં મુકવામાં આવે તેમ લોકોએ જણાવ્યું હતું.
Tags Department district FOOD sleep