ડીસા માર્કેટ યાર્ડ પણ મગફળીની આવકથી છલોછલ થયું
ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં પણ ખેડૂતો મગફળીનું વાવેતર વધુ કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં 1,48,000 હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં વાવેતર કરાયું હતું, અત્યારે ખેડૂતો પોતાના ખેતરમાંથી નવી મગફળીનું ઉત્પાદન મેળવી ડીસા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે.બનાસકાંઠા જિલ્લાનું ડીસા માર્કેટયાર્ડ ઉત્તર ગુજરાતમાં ઊંઝા બાદ વધુ જણસી ધરાવતું માર્કેટયાર્ડ માનવામાં આવે છે. ચાલુ વર્ષે ડીસા માર્કેટમાં મગફળીની બમ્પર આવક નોંધાઈ રહી છે, ચાલુ વર્ષે મગફળીની 35થી 40 લાખ કરતાં વધુની બોરીની આવક નોંધાય તેવી શકયતા છે.
ડીસાની મગફળીનો દાણો ગુણવત્તામાં ખૂબ સારો હોવાથી વિદેશમાં પણ જાય છે, કુલ 13 દેશોમાં ડીસા મગફળીનો દાણો જાય છે. હાલ છેલ્લા 10 દિવસમાં અધધ પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે. લગભગ લાખ બોરીની આવક ડીસા APMCમાં થઈ રહી છે.શુક્રવારે ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીની 1 લાખ 5 હજાર બોરી હજાર કરતાં વધારે બોરીની આવક નોંધાઈ છે. હાલ ડીસા માર્કેટ યાર્ડ મગફળીથી છલોછલ થઈ રહ્યું છે. શુક્રવારે પ્રતિમણ મગફળીનો ભાવ 1250થી 1551 રૂપિયા સુધીનો નોંધાયો હતો. ટેકાના ભાવ કરતા સારો ભાવ હોવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.