બનાસકાંઠામાં કોરોનાના વધતા કેસોના પગલે રાજ્યના મુખ્ય સચિવ પાલનપુર દોડી આવ્યા

બનાસકાંઠા
palanpur
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠામાં કોરોનાના વધતા કેસોના પગલે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ ગઈકાલે પાલનપુર દોડી આવ્યા હતા. જિલ્લામાં કોવિડ-૧૯ની પરિસ્થિતિ સંદર્ભે ભવિષ્યની કોઇપણ સ્થિતિને પહોંચી વળવા તંત્રને એલર્ટ રહેવા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. પાલનપુરની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ હતી. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં નાના કર્મચારીઓથી લઇ જિલ્લાકક્ષાના અધિકારીઓ સુધી ખુબ સરસ કામગીરી કરી રહ્યા છે. આવી જ રીતે આગળના સમયમાં પણ કરતા રહેશો તો કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાશે. તેમણે સઘન સર્વેલન્સ પર ભાર મુકતાં જણાવ્યું કે જે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેવા વિસ્તારો, શહેરો અને ગામડાઓમાં સઘન સર્વેલન્સ ચાલુ રાખી તે વિસ્તારમાં કોઇ શંકાસ્પદ દર્દી જણાય તો તાત્કાલીક તેને સારવાર મળે તેની ખાસ કાળજી રાખીએ. લોકો જાહેરમાં થૂંકે નહીં, માસ્ક પહેરવાની આદત પાડે તે માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર પાસે દંડ વસૂલવા સહિતના કડક પગલાં લેવા તેમણે જણાવ્યું હતું. મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું કે, કોરોના દર્દીઓનો મૃત્યુદર ઘટાડવા તમામ પ્રયાસો કરીએ સમીક્ષા બેઠકમાં બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું કે કલેકટર કચેરી ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ-વોર રૂમથી જિલ્લાની કોવિડ હોસ્પીટલો, કન્ટેઇનમેન્ટ ઝોન, સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિત પબ્લીક મુવમેન્ટ પર સીસીટીવીના માધ્યમથી વોચ રાખવામાં આવે છે. કોવિડ પોઝીટીવ દર્દીઓ અને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ દર્દીઓનું પણ નિયમિત ફોલોઅપ લેવામાં આવે છે. આગામી બે મહિનાને ધ્યાનમાં લઇ કોવિડ હોસ્પીટલ માટે ખાનગી હોસ્પીટલો સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. પોઝીટીવ દર્દીઓનું રોજે રોજ મોનીટરીંગ કરાય છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસીંગ કરવામાં આવે છે. હોમ આઇસોલેશનમાં રાખેલા દર્દીઓનું પણ નિયમિત મોનીટરીંગ કરાય છે. તેમણે કહ્યું કે, માઇક્રો કન્ટેઇમેન્ટમાં સરકાર દ્વારા સુચવેલ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.
બેઠકમાં જિલ્લાના પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, આસી. કલેકટર પ્રશાંત ઝિલોવા, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.વી.વાળા, સીવીલ સર્જન ર્ડા. ભરત મિસ્ત્રી, એપેડેમીક મેડીકલ ઓફીસર ર્ડા. એન. કે. ગર્ગ, ર્ડા. સાલુબેન સહિત આરોગ્યના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ સહિત સંબધિત અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.