પાલનપુર ખાતે 14માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25 મી જાન્યુઆરી 1950 ના રોજ થયેલ હોઈ દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત તા.25મી જાન્યુઆરી-2024ના રોજ કલેકટર કચેરી પાલનપુર મુકામે નિવાસી અધિક કલેકટર સી. પી. પટેલના અધ્યક્ષસ્થાને 14 મા જિલ્લાકક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્‍ઠ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ અને નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ આપવામાં આવ્યા હતા.

જિલ્લા નિવાસી અધિક કલેકટરએ રાષ્‍ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્‍યું હતુ કે, ભારતીય બંધારણના ઘડવૈયાઓએ ભારતના નાગરિકોને કોઇપણ પ્રકારના ભેદભાવ સિવાય તમામને મતદાનના અધિકારો આપ્‍યા છે. તેમણે મતદારોને અપીલ કરતાં કહ્યું હતું કે મતદારોએ પોતાનો સાચો મત વ્યક્ત કરવો જોઈએ અને તે માટે આગળ આવવું જોઈએ. તેમણે નવા નોંધાયેલા મતદારોને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, આપણને જ્યારે બંધારણે મતદાનનો અધિકાર આપ્‍યો છે ત્યારે આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન કરી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબુત બનાવીએ. નિવાસી અધિક કલેકટરએ મતદાર નોંધણીમાં શ્રેષ્‍ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્‍ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે કામગીરી કરનાર 8- થરાદ વિધાનસભા મતદાર વિભાગના નાયબ કલેકટર તુષાર કે. જાની, 15- કાંકરેજ વિધાનસભા વિભાગમાં મદદનીશ નોંધણી અધિકારી તરીકે મામલતદાર બી.જે.દરજી, 12- પાલનપુર વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ પ્રાન્ત કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર હર્ષાબેન પ્રજાપતિ, 8-થરાદ વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા બી.એલ.ઓ. સુપરવાઇઝર ગણપતભાઈ આર. જોષી, 8-થરાદ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભાગ નં.107 ડુવામાં બી.એલ.ઓ. તરીકે ફરજ બજાવતા શિક્ષક કિરીટકુમાર કે. પ્રજાપતિ, 12- પાલનપુર વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા કેમ્પસ એમ્બેસેડર દિનેશભાઈ એન. ચૌધરીનું નિવાસી અધિક કલેકટરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતુ. વધુમાં આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર દ્વારા સેવા મતદારો તથા દિવ્યાંગ મતદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોને “હું ભારત છું” વિષયક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી તથા લોકશાહી તંત્રમાં શ્રધ્ધા રાખી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.