થરાદઃ ટ્રકચાલક પર હુમલો, ૩૦ હજારની લૂંટ, ઘટના CCTVમાં કેદ
કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠામાં જીરૂ ભરીને આવી રહેલા ટ્રકચાલકને આંતરી લૂંટ ચલાવાઇ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોગ બનનાર ટ્રક ચાલકે થરાદ પોલીસ સ્ટેશને લેખિતમાં ફરીયાદ આપી છે. જેમાં તે રાજસ્થાનથી જીરૂ ભરી આવતા દરમ્યાન થરાદના જેતડા ખાતે તેની ટ્રકને આંતરી અંદાજે ૩૦ હજાર રૂપિયાની લૂંટ કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયાનું જણાવ્યુ છે. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના જેતડા પાસે ટ્રક રોકી લૂંટ કરાઇ હોવાની સનસનીખેજ બાબત સામે આવી છે. મૂળ રાજસ્થાનના ખરથારામ માનારામ જાટ(ઉ.૪૦) રહે.ભીમડા, મુકનાણીયાકી ઢાણી, તા. બાયતુ, જી.બાડમેર વાળાએ થરાદ પોલીસને લેખિત ફરીયાદ આપી છે. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, તેઓ ૧૮/૦૬/૨૦૨૦ના રોજ રાત્રે જીરૂ ઉંઝા માર્કેટયાર્ડમાં ભરાવવા માટે ઘરેથી નિકળ્યા હતા. જ્યા તેઓ લાખણી-જેતડા પાસે સફેદ કલરની કાર સામે મળતા તેમને રોકવાનો ઇશારો કરતા તેઓ રોકાયા ન હતા.
આ દરમ્યાન જેતડા પાસેથી વિશ્વાસ હોટલ પાસે પહોંચતા સફેદ ગાડીમાં બેસેલા લોકો તેઓને પથ્થર મારવા લાગ્યા હતા. આ સાથે ગાડીમાંથી છ માણસો ઉતર્યા હતા જેમને તેઓને માર મારી ટ્રકના કાચ તોડી નાંખ્યા હતા. આ દરમ્યાન તેમના ખિસ્સામાં રહેલા ૩૦,૦૦૦ની લૂંટ કરી અજાણ્યો શખ્સો ફરાર થઇ ગયા હતા. જોકે હોટલના સીસીટીવીમાં પણ સફેદ કાર તેમજ માર મારતા માણસો દેખાતા હોવાનું જણાવ્યુ છે.