લોકોના આરોગ્ય સાથે ચેડાં : ચવાણામાંથી મરેલી ગરોળી નીકળતાં ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સમાં રજૂઆત કરી
જો તમે પણ ખાણી-પીણીના શોખીન છો અને બહાર જમવા જાઓ છો તો સાવધાન થઈ જજો, કેમ કે હવે બહારના ફૂડમાંથી ઈયળો અને જીવાતો નીકળવી હવે સામાન્ય બાબત બની ગઇ છે. થરાદ પંથકમાં ગ્રાહકે આનંદનું ચવાણું ખરીદ્યું હતું જે ચવાણામાંથી મરેલી ગરોળી નીકળતાં ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સમાં રજૂઆત કરી હતી. જે બાબતે તપાસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી આવી કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકે માગ કરી છે. તો આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે.
થરાદ તાલુકાના કરબૂણ ગામના સ્થાનિકે જણાવ્યું હતું કે, મેં આજથી અંદાજીત 10થી 15 દિવસ પહેલા આનંદ નમકીનના બે પેકેટ ચવાણું છોકરાઓને નાસ્તા માટે લાવ્યો હતો. બે-ત્રણ દિવસ છોકરાએ નાસ્તો કરતા ઝાડા-ઊલટી જેવું લાગ્યું હતું. જેથી પેકેટ એક્સપાયરી ડેટ બહારનું નથી તે ચેક કરવા પેકેટ જોયું તો એક્સપાયરી ડેટ બહારનું ન હતું. પરંતુ અંદરથી એક મૃત ગરોળી ભરાઇ ગયેલી હતી. જે બાબતે કંપનીને જાણ કરતા કંપની દ્વારા કહેવામાં આવ્યું કે, અમારામાં આવું હોય નહીં, તમે કંઈ કર્યું હોય તો તમે જાણો.
આ બાબતને લઇને ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કર્યો હતો. જેના દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો કોન્ટેક્ટ કરાવતા અમે ફૂડ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ કરી હતી. જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઈ ગયેલા હતા. જે તપાસ કરી શું નીકળે છે એ હવે જોવાનું રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આનંદ નમકીનના પેકેટના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હોટલ અને રેસ્ટોરન્ટમાં પીરસાતા તેમજ વેચાણ કરતા ખાદ્ય પદાર્થો પ્રત્યે ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. અગાઉ ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જેમાં ખાવાની વાનગીઓમાં ભેળસેળ થતી જોવા મળી છે. સતત લોકોના આરોગ્ય સાથે થતી લાપરવાહી ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે? એમ પણ કહી શકાય કે લોકોએ હવે જો પોતાના શરીરનું ધ્યાન રાખવું હોય તો બહાર જમવાનું કે ફૂડ પેકેટ ખરીદવાનું ટાળવું પડશે. આરોગ્ય વિભાગ હવે આ મામલે કેટલી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.