ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં થરાદ ખાતે તાલુકા કક્ષાના મહોત્સવનો પ્રારંભ
થરાદ ખાતે આયોજિત રવિ કૃષિ મેળામાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું કે, ખેતી આપણા લોહીમાં વણાયેલી છે,ઋષિ કૃષિની આપણી પરંપરા છે. એક – બે હજાર વર્ષોની ખેતીનો ઇતિહાસ છે એટલે આપણે જીનેટિકલી ખેતી સાથે સંકળાયેલા છીએ. માનવતાને બચાવવાનું કામ ખેતીએ કર્યું છે. ખેતીમાં થયેલા વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજીને કારણે જે બદલાવ આવ્યો છે. એ બદલાવ ખેડૂતોના જીવનમાં પણ જોવા મળ્યો છે. ખેડૂતોના પોશાક, રહેણીકરણી અને જીવનધોરણમાં બદલાવ આવ્યો છે. તો કૃષિક્ષેત્રે વાહનો, દુરસંચાર,વીજળી- પાણી વિતરણ,સિંચાઈ સહિત દરેક તબક્કે ક્રાંતિ સર્જાઈ છે, જેનો લાભ ખેડૂતોને મળ્યો છે.
વધુ અધ્યક્ષએ કહ્યું કે,કૃષિ શિબિરો, કૃષિ મિટિંગો, કૃષિ પરિસંવાદો, કૃષિ રથ – કૃષિ મેળા જેવા આયોજનો અને કૃષિ હિતલક્ષી નિર્ણયો થકી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બની છે. કૃષિ ધિરાણમાં સબસીડી આપવાની અદભુત પહેલ સમગ્ર દેશમાં ગુજરાતમાં થઇ છે, જેથી કૃષિકારોને વ્યાજ ભારણમાંથી મુક્તિ મળી છે. વૈજ્ઞાનિકો અને ખેડૂતોના અનુભવો લેબ ટુ લેન્ડ થવાથી ખેતીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે જેના લીધે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ખેડૂતોને રાસાયણિક ખાતરોના વપરાશને ઘટાડી જીવામૃત , પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય આધારિત ખેતી અપનાવવા જણાવી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ખેતીની આધુનિક પદ્ધતિ અને પશુપાલન ક્ષેત્રે બ્રિડીંગમાં થયેલા સંશોધનને લીધે ગાય ભેંસને વાછરડી જ જન્મે એવા સંશોધનો થયા છે જેનો લાભ આવનારા સમયમાં ખેડૂતોને મળવાનો છે. થરાદ અને લાખણી તાલુકાના ચાળીસ ખેડૂતોના ખેતરમાં NDDB ના કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા સંશોધનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેને પગલે બનાસ ડેરીના સહયોગથી જમીનને ઠીક કરી માર્કેટિંગ સુધીના સ્તરે ખેડૂતોને લાભ મળી રહે એવું આયોજન થયુ છે.આવનારા સમયમાં જમીન અને માટી વગર પણ ખેતી થઈ શકે એવી હાઈડ્રોસોનિક સિસ્ટમ અને લેયર ટેકનોલોજીના નવા આયમથી ખેડૂતો પોતાના ખેતરમાં સાત થી નવ જેટલા પાકો લઈ શકશે એમ જણાવી ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને કૃષિ સંશોધનથી વાકેફ રહેવા અને તેને અપનાવવા અપીલ કરી હતી. રવિ કૃષિ મેળા અંતર્ગત અધ્યક્ષના હસ્તે સરદાર પટેલ પુરસ્કાર યોજના, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ, તેમજ ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાની યોજનાઓના મંજૂરીપત્રો અને સહાય હુકમોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ અધ્યક્ષએ વિવિધ સરકારી યોજનાઓના ગોઠવાયેલા પ્રદર્શની સ્ટોલની મુલાકાત લીધી હતી.