થરાદ તાલુકાના મોરથલ ગામે તલાટીને માર-મારી, ગળું દબાવી જાનથી મારી નાંખવાની ધમકી
થરાદ તાલુકાના મોરથલ ગામના અને વિસનગર ખાતે તલાટી કમ મંત્રીની નોકરી બજાવતા એવા પારસભાઈ ભાવાજી માળી ઉપર મોરથલ ગામના ત્રણ શખ્સોએ જાન લેવા હુમલો કરી ધોકા વડે માર મારી અને તલાટી પારસ માળીનું ગળું દબાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ખિસ્સામાં રહેલા 2000 રૂપિયા લૂંટી ધમકી આપીને જતાં રહ્યા હતા. પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ બનાવ અંગે તલાટી પારસ માળીએ થરાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મોરથલ ગામના પ્રવીણ ગેનાજી ઠાકોરે મારા ભાઈને ધમકી આપેલી કે તું મોરથલ સબ સ્ટેશનમાં નોકરી કરે છે. ત્યાંથી નીકળી જા અને પાછો સબ સ્ટેશનમાં પગ મૂકતો નહીં કહી ઝઘડો કર્યો હતો. ત્યાર પછી બીજા દિવસે હું વિસનગર નોકરી ઉપરથી મોરથલ ગામે આવ્યો ત્યારે બધી વાત મારા ભાઈએ મને કરી હતી.
હું સાંજના સાત વાગ્યાના સુમારે મારા ગામમાં આવેલા હરચંદ પ્રજાપતિની દુકાને બેઠો હતો ત્યારે ત્યાં પ્રવીણ ઠાકોર, ખેંગાર ઠાકોર અને પોપટ ઠાકોર ત્રણે આવેલા અને મારી પાસે આવી અને મને જેમ તેમ બોલી મારી જોડે માથાકૂટ કરી હતી. પ્રવીણે ઉશ્કેરાઈને મને થપ્પડ મારી ઘસેડીને દુકાનમાં લઈ ગયા હતા. ત્યાં ત્રણેય લોકોએ મને માર માર્યો પછી પ્રવિણએ મારું ગળુ દબાવી અને મારા ખિસ્સામાં પડેલા 2000 રૂપિયા લઈ અને ત્યાંથી નાસી ગયા.
આજુબાજુના લોકોએ મને ત્યાંથી તાત્કાલિક થરાદ સરકારી દવાખાને લઈ ગયા હતા. મને ઘણો માર માર્યો હોવાથી હું હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર કરાવી રહ્યો છું. આ ત્રણ લોકોએ મને અને મારા ભાઈને જાનથી મારવાની ધમકી આપી હતી. જેના વિશે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.