રાજ્યમાં ફરીથી હવામાનમાં અચાનક પલટો : તૈયાર પાકને મોટું નુકસાન થવાની ભીતી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરીથી હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. જેમાં ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાન પલટાતા આકાશ વાદળછાયુ બન્યું હતું. જો વરસાદ થાય તો જિલ્લાના મુખ્ય ખરીફ પાક ગણાતા મગફળીના તૈયાર પાકને મોટું નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં સો ટકાથી વધુ વરસાદ થયો છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ 80% જેટલો જ વરસાદ નોંધાયો છે. ત્યારે ચોમાસાની વિદાય બાદ અંતિમ સમયે ફરીથી એક વખત હવામાન પલટાયુ છે. છેલ્લા એક પખવાડિયાથી ભારે ગરમીના વાતાવરણ બાદ શુક્રવારે સવારથી જ આકાશ વાદળછાયું બન્યું હતું. હવામાન વિભાગે પણ અગાઉ નવરાત્રિના દિવસોમાં વરસાદ થશે તેવી આગાહી કરી હતી. જેને લઇને ગુરુવારે દક્ષિણ ગુજરાત સહિત કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો.
ત્યારે આજે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.ડીસા પંથકમાં અત્યારે ચોમાસાનો મુખ્ય ખરીફ પાક ગણાતા મગફળીનો પાક તૈયાર થઈ ખેતરોમાંથી ખેડૂતો મગફળી કાઢવાના કામમાં જોતરાયા છે. એવા ટાણેજ આકાશમાં વાદળો બંધાતા ખેડૂતોમાં ખૂબ જ ચિંતા પેઠી છે. જો વરસાદ થાય તો મગફળીના તૈયાર પાકને મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે.