ગઢ સર્કલ ઓફિસ ખાતે હોમગાર્ડ કચેરી કાર્યરત રાખવા રજૂઆત
વર્ષોથી ચાલતા હોમગાર્ડ યુનિટની કામગીરી બંધ કરવા સર્કલ ઓફિસરે નોટિસ આપી
કચેરી માટે અન્ય જગ્યા ન ફાળવાય ત્યાં સુધી હોમગાર્ડ યુનિટ ચાલુ રાખવાની માંગ: પાલનપુર તાલુકાના ગઢ ખાતે પોલીસ સ્ટેશન પાસે આવેલ સર્કલની કચેરીમાં વર્ષોથી ગઢ હોમગાર્ડ યુનિટની કચેરી તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલ ચોમાસાની સીઝન નજીકમાં છે તેવા સમયે સર્કલ કચેરીમાં હોમગાર્ડ યુનિટની કામગીરી બંધ કરવા ગઢ સર્કલ ઓફિસરે નોટિસ આપતા ગઢ હોમગાર્ડ કમાન્ડન્ટે કચેરી માટે અન્ય સ્થળે જગ્યા ન મળે ત્યાં સુધી આ જગ્યાએ હોમગાર્ડની કચેરી ચાલુ રાખવા માટે રજૂઆત કરી છે.
પાલનપુર તાલુકાના ગઢ ગામે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની સાથે કદમ મિલાવીને નિષ્કામ સેવા બજાવતા હોમગાર્ડ જવાનોનું યુનિટ પોલીસ સ્ટેશન પાસે આવેલ સર્કલ કચેરીમાં ચાલી રહ્યુ છે. જોકે ગઢમાં હોમગાર્ડ યુનિટની કચેરી માટે કોઈ કાયમી જગ્યાની ફાળવણી કરવામાં આવી ન હોઇ વર્ષોથી હોમ ગાર્ડની કચેરી સર્કલ કચેરીમાં ચાલી રહી છે. ત્યારે જિલ્લા કલેકટર દ્વારા ગઢ ખાતે કે જ્યા હોમગાર્ડ કચેરી કાર્યરત છે તે જગ્યાએ રેવન્યુ સંલગ્ન કામગીરી માટે સર્કલ કચેરી કાર્યરત કરવા તાકીદ કરતા ગઢ સર્કલ ઓફિસરે ત્રણ દિવસમાં તેમની જગ્યામાં ચાલતા હોમ ગાર્ડ યુનિટની કામગીરી બંધ કરવા નોટિસ આપી છે.સામે હોમગાર્ડ યુનિટ દ્વારા તેમની કચેરી માટે પોલીસ વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગ જગ્યાની માંગણી કરવામાં આવેલ છે. પરતું હાલ અન્ય જગ્યાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય તેમજ ચોમાસુ નજીકમાં હોઇ હોમગાર્ડની કચેરી માટે અન્ય જગ્યા ન ફાળવાય ત્યાં સુધી સર્કલ કચેરીમાં ચાલુ રાખવા ગઢ હોમગાર્ડ યુનિટના કમાન્ડન્ટ નરેશ આર. સામઢીયા દ્વારા સર્કલ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
બંધ પડેલી સરકારી સ્કૂલની જગ્યા હોમગાર્ડ કચેરી માટે અનુકૂળ : ગઢ હોમગાર્ડ યુનિટ પાસે પોતાની કચેરી ન હોવાના કારણે વર્ષોથી સર્કલ ઓફિસનો હોમગાર્ડ કચેરી તરીકે ઉપયોગ કરવામા આવી રહ્યો છે અને હોમગાર્ડ કચેરી માટે પોલીસ વિભાગ તેમજ માર્ગ મકાન વિભાગ પાસે જમીનની માંગણી કરવામાં આવી છે.પરંતુ કોઈ જગ્યા ફાળવાઇ નથી ત્યારે ગઢમાં વર્ષોથી બંધ પડેલ ઉંચાડી સ્કૂલ વાળી જગ્યા હોમગાર્ડ કચેરી માટે ફાળવાય તો અહીંના રૂમ અને ખુલ્લું મેદાન હોમગાર્ડ જવાનો માટે સાનુકૂળ રહે તેમ છે.
Tags Banaskantha Deesa Dhanera Palanpur