શ્રી ક્રિષ્ના આર્ટ્સ કોલેજ, લાખણીના વિદ્યાર્થીઓએ ગેળામાં શ્રીફળના પહાડને વ્યવસ્થિત કર્યો
લાખણી તાલુકાના ગેળા ગામના હનુમાનજીના મંદિરે દિન-પ્રતિદિન શ્રીફળોની સંખ્યામાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. તેથી તેને વ્યવસ્થિત ગોઠવવાં જરુરી છે. તેથી અવાર-નવાર સેવાભાવી યુવાનો નીચે પડેલ શ્રીફળોને ઉપર ચડાવવાનું અને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કરતા હોય છે. તેના ઉપલક્ષમાં લાખણી ખાતે આવેલા શ્રી ક્રિષ્ના એજ્યુકેશન કેમ્પસ સ્થિત શ્રી ક્રિષ્ના આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ નીચે પડેલ શ્રીફળો ઉપર ચડાવવાનું અને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કર્યું હતું.
તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને લીધે પહાડ પરથી ઘણાં બધાં શ્રીફળ નીચે આવી ગયાં હતાં. તેથી તેને ફરીથી ઉપર ચડાવવાનું અને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કોલેજના વિદ્યાર્થીઓએ અને સેવાભાવી યુવાનોએ સાથે મળી કર્યું હતું. આ કાર્યમાં સરપંચ હરજીભાઈ રાજપૂત, યુવા આગેવાન ભાવેશભાઈ બી. ચૌધરી, કોલેજના મંત્રી વિનોદભાઈ પટેલ, સુરેશભાઈ ચૌધરી સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓના કાર્યને ગ્રામજનો અને ભક્તગણે બિરદાવ્યું હતું.