પાલનપુરમાં વર્ષમાં માત્ર બે વાર જ ખુલતું શ્રીનાગણેજી માતાનું મંદિર
હવનાષ્ટમીએ શ્રી નાગણેજી માતા ના દર્શન કરી ધન્યતા અનુભવતા ભક્તો: પાલનપુર નવાબે બંધાવેલું સર્વધર્મ સમભાવના પ્રતીક સમું ચમત્કારિક શ્રી નાગણેજી માતાનું મંદિર હવનાષ્ટમી નિમિત્તે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું હતું. વર્ષમાં માત્ર બે વાર જ ખુલતા શ્રી નાગણેજી માતાના મંદિરે આજે ભાવિક ભક્તોની ભારે ભીડ જામી હતી.
નવરાત્રિની આઠમ એટલે હવનાષ્ટમી. ત્યારે આજે હવનાષ્ટમી નિમિત્તે પાલનપુરની રાજગઢી ખાતે આવેલા કોમી એકતાના પ્રતીક સમા શ્રી નાગણેજી માતાના મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેનો ભાવિક ભક્તોએ લાભ લઇ શ્રી નાગણેજી માતાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. પાલનપુર નવાબની રાજપૂત રાણીના દાયજામાં શ્રી નાગણેજી માતા આવ્યા હતા. જોકે, પાલનપુર નવાબે આજથી 300 વર્ષ પૂર્વે બંધાવેલું શ્રી નાગણેજી માતાનું મંદિર, નાગપાંચમ અને નવરાત્રી આઠમ સહીત વર્ષમાં માત્ર બે વખત જ ખુલતું હોવાનું મંદિરના પુજારી શરદભાઈ આચાર્યએ જણાવ્યું હતું.
આ ચમત્કારી મંદિર માં બિરાજેલા નાગણેજી માતા ઉપર લોકો ની ભારે શ્રદ્ધા છે. અહીં માતાજીના દર્શન કરવા માટે દૂર -દૂર થી ભક્તો આવે છે. અને નાગણેજી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે, અહીં રાત્રે હવન શરૂ થાય છે. જેની મધ્યરાત્રીએ પૂર્ણાહુતિ થતી હોવાનું શાંતાબેન જોશી નામના શ્રધ્ધાળુએ જણાવ્યું હતું.
આજે પણ નવરાત્રી આઠમે શ્રી નાગણેજી માતાના મંદિરે થતા હવનમાં પાલનપુર નવાબના પરિવારજનો ફાળો આપી રહ્યા છે. ત્યારે પાલનપુરના રાજગઢી વિસ્તારમાં આવેલું નવાબી કાળનું શ્રી નાગણેજી માતાનું મંદિર કોમી એકતાનું મિશાલ પુરી પડી રહ્યું છે.
Tags Palanpur Srinaganeji year