થરાદના મોરથલ પાસે એસઓજીની ટીમે વોચ ગોઠવી બોલેરોમાંથી પોષડોડાનો જથ્થો ઝડપ્યો
રખેવાળ ન્યુઝ થરાદ : રાજસ્થાનથી પોષડોડાનો જથ્થો ભરી બોલેરો ગાડીમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક મોરથલ થઈ કળશ લવાણા તરફ જનાર છે. તેવી માહિતી એસઓજીની ટીમને મળતા એસઓજીની ટીમે વોચ ગોઠવી પોષડોડાના જથ્થા સાથે રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના ઢાણી નૈનોલ ગામના ઇસમને ઝડપી લીધો હતો.
બનાસકાંઠા જિલ્લા એસ.ઓ.જીની ટીમને ખાનગી સૂત્રો દ્વારા બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી બોલેરો ગાડીમાં પોષડોડાનો જથ્થો ભરી રાજસ્થાન થઈ નેનાવા બોર્ડરથી થરાદ તાલુકાના મોરથલ અને ત્યાંથી કળશ લવાણા ગામ તરફ આવવાની છે. જે આધારે એસ.ઓ.જીની ટીમે બાતમી આધારે વોચ ગોઠવી હતી.
દરમિયાન બોલેરો ગાડી આવતાં આરોપી મૈસારામ લાખારામ આલ (દેવાસી) રહે.રબારીની ઢાણી નૈનોલ, તા.સાંચોર, જિ.જાલોર રાજસ્થાન વાળાને ઝડપી લઇ ગાડીમાંથી માદક પદાર્થ પોષડોડાનો જથ્થો ૩૪.૮૪૦ કિગ્રા કિંમત રૂપિયા ૧,૦૪,૫૨૦ નો તથા મોબાઇલ અને બોલેરો ગાડી સહિત રૂ.૬,૦૯,૫૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.