ધાનેરા તાલુકાના સરહદી ગોલા ગામે પાણીની વિકટ સમસ્યા યથાવત પરા વિસ્તારની પ્રજા પાણી ની સમસ્યા થી ત્રાહિમામ
ધાનેરા તાલુકાના સરહદી ગોલા ગામમાં પીવાના પાણીની સમસ્યાનો અંત આવે તેમ લાગતું નથી. આજે પણ ગોલા ગામમાં પાણીની વિકટ સમસ્યા સાથે ગ્રામજનો ત્રાહિમામ્ પુકારી ઉઠ્યા છે. ગોલા ગ્રામ પંચાયત ગ્રુપ ગ્રામ પંચાયત છે. જેમાં ગોલા અને પેગીયા બે ગામોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે સમસ્યા ભોગવતું ગામ હોય તો તે ગોલા ગામ છે. વર્ષ દરમિયાન સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને એ ગ્રાન્ટનો ઉપયોગ પણ થાય છે. છતાં પણ આજે ધાનેરાના ગોલા ગામનો વિકાસ નહિવત પ્રમાણમાં છે. છેલ્લા 10 દિવસથી ગોલા ગામમાં પંચાયત દ્વારા અપાતું પાણી મળતું નથી અને પાણી મળે તો એ પણ ત્રણ કે ચાર દિવસમાં એક વાર ઘર માલિકોને મોટરથી પાણી ખેંચવું પડે છે.
પાણી આવે તો ઠીક છે નહીં તો પોતાના પૈસાથી ટેન્કર દ્વારા પાણી મેળવવું પડી રહ્યું છે. ગુજરાત મોડેલની સાચી તસ્વીર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે વેરો ભરીએ તો પાણી મળશે આવું સ્થાનિક પંચાયત તરફથી સૂચન કરાયું છે. આ અંગે પ્રકાશભાઈ પ્રજાપતિ તથા જબ્બરસિંહ સ્થાનિક આગેવાનએ જણાવ્યું હતું કે, ગોલા ગામ તો ઠીક પણ ગોલા ગામથી દૂર પરા વિસ્તારમાં તો આજકાલ નહિ પણ વર્ષોથી પાણીની સમસ્યા છે. પરા વિસ્તારમાં પાણીના હવાડા છે અને ઓવર હેન્ડ ટાંકી પણ છે પરંતુ પાણી નથી. જેના કારણે ગરીબ પરિવારોની મહિલાઓને ખેતરે ખેતરે માથે ઘડા ઉપાડી પાણી મેળવવા માટે ભટકવું પડે છે. ગોલા ગામમાં આવેલ પાણીની પરબમાં પાણી આવતું નથી.
ગ્રાન્ટનો ઉપયોગ કરવા માટે ગામમાં ગમે તે જગ્યાએ પરબ બનાવી છે. જો કે પાણી પહોંચાડવામાં સ્થાનિક પંચાયતને રસ નથી. પશુઓ માટેના હવાડા ખાલી પડ્યા છે. ક્યારેક ગ્રામજનો ટેન્કર દ્વાર હવાડા ભરે છે. પ્રજાની મુશ્કેલી વધી રહી છે. ધાનેરાના સરહદી ગોલા ગામમાં પાણીની વિકટ સમસ્યા છે. જેમાં પરા વિસ્તારની મહિલાઓ પાણી માટે રઝળપાટ કરી રહી છે.