વડગામમાંરાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે 34 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં 18 પ્રાથમિક શિક્ષકો, 5 માધ્યમિક શિક્ષકો, 1 ઉચ્ચતર માધ્યમિક શિક્ષક, 5 આચાર્ય, 3 એચ ટાટ, 1 ખાસ શિક્ષક અને 1 બી.આર.સી કો- ઓર્ડીનેટરની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરાઈ છે. જેમાં રાજ્યકક્ષાએ એકમાત્ર બી.આર.સી કો ઓર્ડીનેટર શિક્ષક તરીકે બનાસકાંઠા જિલ્લાના વડગામની તાલુકા પગાર કેન્દ્ર શાળામાં ફરજ બજાવતા શિક્ષક મહેન્દ્રસિંહ જેઠુસિંહ બારડની પસંદગી કરવામાં આવી છે.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે તેઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ બદલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય અને શિક્ષકોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. રાજ્યક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ દર વર્ષે શિક્ષક દિન તારીખ 5મી, સપ્ટેમ્બરના દિવસે આપવામાં આવે છે. વડગામની તાલુકા પગાર કેન્દ્ર શાળામાં છેલ્લા 12 વર્ષથી બી.આર.સી.કો ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા શિક્ષક મહેન્દ્રસિંહ જેઠુસિંહ બારડ એક ઉમદા શિક્ષક અને કેળવણીકારમાં હોવા જોઈએ એવા તમામ ગુણો ધરાવે છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં શૈક્ષણિક સ્તર સુધારવા અને ગુણવત્તાસભર શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહેલા મહેન્દ્રસિંહ બારડની પસંદગીથી બનાસકાંઠા જિલ્લાનું અને વડગામ તાલુકાનું ગૌરવ વધ્યું છે અને સમગ્ર રાજ્યમાં વડગામ તાલુકાની શૈક્ષણિક પ્રગતિને એક આગવી ઓળખ અપાવી છે.


મહેન્દ્રસિંહ બારડ એસ.એસ.સી., એચ.એસ.સી., પી.ટી. સી., બી.એ, એમ.એ., બી.એડ જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. સાથે સાથે TET(2), TAT (S), TAT (HS), રાષ્ટ્રભાષા રત્ન, FCSEDS અને GES CLASS-2 ની પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેમણે તેમનો અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ તેમની બી.આર.સી. કો-ઓર્ડીનેટરની ફરજમાં વાપરી શિક્ષણક્ષેત્રે એક તાલીમબદ્ધ અને સમર્પિત શિક્ષકોની ફોજ તૈયાર કરવાનું બીડું ઝડપ્યું છે. જેના થકી વડગામ તાલુકાનું શિક્ષણ જગતમાં અનોખું નામ ઉભરી આવે. વડગામ તાલુકા બ્લોકમાં આવતી તમામ શાળાઓમાં શૈક્ષણિક સદ્ધરતા, નામાંકન અને સ્થાયીકરણ માટેના સઘન પ્રયાસોથી આજે ધોરણ- 1 થી 5 અને 6 થી 8 માં ડ્રોપ આઉટ રેશિયો નહિવત થયો છે. જેનો શ્રેય મહેન્દ્રસિંહ બારડને જાય છે. શિક્ષકોને સતત માર્ગદર્શન, તાલીમ અને બાળકોના ગુણવત્તાસભર શિક્ષણ માટે શું કરવું જોઈએ એની ચિંતા કરતા મહેન્દ્રસિંહ બારડ આજના આધુનિક યુગની જરૂરિયાત મુજબના શિક્ષણ પર ભાર મૂકે છે અને એ મુજબ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ઘડતર થાય એ દિશામાં સતત પ્રયત્નશીલ રહે છે.વિદ્યાર્થીઓમાં આત્મબળ, કલ્પના શક્તિ, તર્કશક્તિ, વિચાર શક્તિ, ધીરજ, કુશળતા, ચીવટ જેવા ગુણોનો વિકાસ કરવામાં તેમજ વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું સિંચન થાય એવા સઘન પ્રયાસો કરી વિદ્યાર્થીઓમાં પ્રિય અને આદર્શ શિક્ષક તરીકે તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. મહેન્દ્રસિંહ બારડે દાંતીયા ગો પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકેની ફરજ દરમિયાન બહુશ્રેણીય શિક્ષણ દ્વારા 5 કિ.મી. ચાલીને ખેતરની નાની શાળાઓને નંદનવન બનાવવામાં અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે મહત્વની ભૂમિકા ભજવી છે. સામાજિક ક્ષેત્રે અગ્રણી રહી શાળા માટે ભૌતિક સુવિધાઓ, બાળકોને શૈક્ષણિક કીટ, આધુનિકરણ, તિથિ ભોજન, દાન તેમજ નાની મોટી જરૂરિયાત પૂરી પાડવામાં દીવાદાંડી રૂપ ભૂમિકા નિભાવી છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય, ખેલ કુદ કે વિવિધ સ્તરની શૈક્ષણિક સ્પર્ધાઓ હોય એ તમામમાં વડગામ તાલુકો અવ્વલ રહે એ માટે તેઓ સતત મહેનત કરી શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત બન્યા છે. દિવ્યાંગજન બાળકો માટે વિશેષ સંવેદના રાખતા મહેન્દ્રસિંહ બારડે તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓને દિવ્યાંગ પ્રમાણપત્ર મળે તે માટે સિવિલ હોસ્પિટલ સુધી સેવાઓ આપી છે. તો વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી, સાધન સહાય કેમ્પ, સમર વેકેશન કેમ્પ, વિકલાંગ વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ એક્સપોઝર વિઝીટ જેવા કાર્યક્રમોમાં સફળ સંચાલન કર્યું છે. તાલુકાના ડ્રોપ આઉટ બાળકોનું સર્વે કરી STP વર્ગો ચાલુ કરાવી તેમને મેઈન સ્ટ્રીમ કરવા ખાસ પ્રયત્ન કર્યા છે. જેના ભાગરૂપે ટ્રાન્સપોર્ટેશન દ્વારા વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચે તે માટે પૂરતું માર્ગદર્શન અને મોનીટરીંગ કરેલ છે.આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં કદી એ શાળાએ ન ગયેલ આદિવાસી દિકરીઓને કે.જી.બી.વી.માં પ્રવેશ અપાવવો અને વરસતા વરસાદમાં કે.જી.બી.વી.માં પહોંચી અજગર પકડવા માટે જંગલ વિભાગના માણસોને બોલાવીને દિકરીઓનો ડર દૂર કરવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. શિક્ષણ સાથે સંકળાયેલી કોઈપણ પ્રવૃત્તિ હોય મહેન્દ્રસિંહ હંમેશા અગ્રેસર રહ્યા છે. મિશન વિદ્યા, નેશનલ કક્ષાએ રમકડાં મેળો, ઇનોવેશન ફેરમાં તેમની ભૂમિકા હંમેશા પ્રેરણાદાયી રહી છે. તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલી ચાંગા પ્રાથમિક શાળાની કૃતિ ‘રમતાં રમતાં ઇતિહાસ ભણીએ’ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી હતી. બી.આર.સી. કો ઓર્ડીનેટર તરીકે શિક્ષકોને તાલીમ આપવી તે મુખ્ય ફરજ ગણાય છે. તેઓએ ઘણી બધી તાલીમોમાં રિસોર્સ પર્સન, માસ્ટર ટ્રેનર તરીકે ફરજો બજાવી છે. તેમજ ઘણી બધી તાલીમો લીધી પણ છે. શિક્ષકો સુધી તાલીમ સચોટ રીતે પહોંચે તે માટે આગવા આયોજનો, સાહિત્ય વિતરણ તેમજ સઘન મોનિટરીંગ દ્વારા તાલીમો સફળ બનાવી છે. તો NISHTHA તાલીમ તાલુકાના શિક્ષકોને ઓફલાઇન મોડમાં પૂર્ણ કરાવેલ છે. રાજયકક્ષાના શિક્ષક પારિતોષિક માટેની પસંદગી થતાં હર્ષ અને ગૌરવની લાગણી અનુભવતાં મહેન્દ્રસિંહ બારડે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગનો આભાર માન્યો હતો. અને વડગામ તાલુકાની શૈક્ષણિક પ્રગતિ માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આગામી 5 મી સપ્ટેમ્બરને શિક્ષક દિનના રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેકટર- 19 ગાંધીનગર ખાતે યોજાનાર સમારોહમાં મહેન્દ્રસિંહ બારડને રાજ્યના માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે શાલ, પ્રમાણપત્ર અને રૂ. 51 હજારનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. વડગામ જેવા તાલુકામાંથી રાજ્યના શ્રેષ્ઠ બી.આર.સી. કો-ઓર્ડીનેટર તરીકેની તેમની પસંદગી જ બતાવે છે કે રાજ્યના અન્ય વિકસિત જિલ્લા તાલુકાઓની તુલનામાં તેમનું કામ કેટલું મહત્વનું અને પરિણામ દર્શક હશે કે રાજ્યકક્ષાએ તેમની પસંદગી થઈ મહેન્દ્રસિંહ બારડએ સમગ્ર રાજ્યમાં વડગામ તાલુકાની શૈક્ષણિક જ્યોતને પ્રજ્વવલિત કરી અન્યો માટે પ્રેરણાદાયી પથ નિર્દિષ્ટ કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.