ડીસા તાલુકાના રમુણ ગામથી વાલેર ગામને જોડતા ડામર રસ્તાનું અધૂરું કામ પૂર્ણ કરવા સરપંચની રજૂઆત
ગામતળ નજીક પાણી નહિ બંધ કરતા ડામર રસ્તા નું કામ અધૂરું: ડીસા તાલુકાના રમુણ ગામની સીમ નજીકથી વાલેર ગામમાંથી પસાર થતાં પાંથાવાડા નેશનલ હાઇવે રોડ સુધી પાકો ડામર રસ્તો મંજૂર થયો હતો. અને ગત વર્ષે ડામર રસ્તાનું કામ પૂર્ણ પણ કર્યું છે. જો કે ગામતળ નજીક આવતા રસ્તાનું કામ અધૂરું રહી ગયું છે. જેને લઇ સ્થાનિક ગ્રામજનો અને સરપંચ અધૂરા રસ્તાનું કામ પૂરું કરવા રજૂઆત કરી રહી છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ધાનેરાના વાલેર ગામથી ડીસા તાલુકાના રમુણ ગામની સીમ સુધી સાડા ત્રણ કિલોમીટરનો માર્ગ મંજૂર થયો છે. જોકે આજે પણ વાલેર ગામના ગામતળ નજીક મેટલ પાથરેલી પડી છે. જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતને લેખિતમાં પાણીનો આવરો બંધ કરવા માટે રજૂઆત કરાઈ હતી.
જોકે ગામતળમાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે પાણી બંધ કરાયું ન હતું. જેને લઇ ડામર રસ્તાનું કામ અધૂરું મૂકી દેવાયું હતું. તો બીજી તરફ સ્થાનિક ગ્રામ પંચાયતએ ગટર લાઈનનું કામ પૂર્ણ કર્યું છતાં પણ રસ્તો બનતો ન હોઇ માર્ગ અને મકાન વિભાગ સ્થાનિક ગ્રામ પંચાયતની રજૂઆત ધ્યાને લઇ અધુરા માર્ગનું કામ પૂર્ણ કરે તેવી માંગ ઉઠી છે. આ અંગે સરપંચ ભુરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આ બાબતે પીડબલ્યુડીને ગામ ફાળો કરીને આપી બાકી રોડનું કામ કરાવીશું.
Tags Disa taluka incomplete road work