સચ્ચાઈની જીત થશે, બુરાઈની હાર – વિદ્યાર્થીઓએ રેલી કાઢી રોષ વ્યકત કર્યો
દાંતીવાડા પ્રા. શાળાના શિક્ષકને વિદ્યાર્થીઓનું સમર્થન
વિદ્યાર્થીઓને રૂમમાં પુરી શિક્ષક દ્વારા માર મારવાના મામલે નવો વળાંક
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક દાંતીવાડાની પ્રાથમિક શાળામાં ધોરણ- 8 નાં વિદ્યાર્થીઓને માર મારવાના મામલે મંગળવારે સાંજે ખુદ શાળાના બાળકોએ શિસ્ત બદ્ધ રીતે શાળા છૂટયા બાદ ગામમાં રેલી સ્વરૂપે ફરી બેનરો તેમજ પોસ્ટર મારફતે શાળાના શિક્ષક અશોકભાઈ ચૌધરીની બદલી ના કરવાની માંગ હતી.
વિદ્યાર્થીઓને રૂમમાં પુરી માર મારવા મામલે પંથકમાં છેલ્લા બે દિવસથી અનેક પ્રકારની અટકળો વચ્ચે ખુદ શાળાના બાળકો શિક્ષક અશોકભાઈનાં વ્હારે આવ્યા છે. તેવા અનેક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જયારે શાળાના શિક્ષક દ્વારા બાળકોને માર મારવા મામલે તાલુકા તેમજ જિલ્લાનાં તંત્ર દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરી દોષિત સામે પગલાં ભરવા કેટલાક તાલુકાના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.એક તરફી ચાલતી વાતોને ધ્યાને રાખી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી નિર્ણય ના લે તેવી પણ માંગ ઉઠવા પામી છે. જોકે હાલમાં તો આ વીડિયોને લઇ અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.આ બાબતે બાળકો દ્વારા શાળાના શિક્ષક અશોકભાઈની બદલી નાં કરવા પોસ્ટરો સાથે રેલી કાઢી માંગ કરવામાં આવી હતી. જેના વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે.
જેમાં શાળાનાં વિદ્યાર્થી- વિધાર્થિનીઓ પોતાની આગવી શૈલીમાં જણાવી રહ્યા છે કે છે કે નાની બાબતને કેટલું મોટું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. પણ અમો તમામ વિદ્યાર્થીઓ સાહેબનાં સાથે જ છીએ સાહેબની બદલી ‘તો નાં જ થવી જોવે ‘ તેવી પણ વાત વીડિયોમાં કરવામાં આવી છે.સૂત્રો પોકારી વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે સચ્ચાઈની જીત થશે અને બુરાઈની હાર. હવે જોવું રહ્યું કે તંત્ર તપાસ કરી કેવા પગલાં ભરે છે ? તેના પર બનાસવાસીઓની નજર મંડરાઈ છે.
શિક્ષક રજા ઉપર: વિવાદ વચ્ચે શિક્ષક અશોકભાઈ ચૌધરી મેડીકલ રજા ઉપર ઉતરી ગયા છે પરંતુ અગાઉ તેમને દાંતીવાડા તાલુકામાં ધોરણ -8 માં અક્ષર સુધારણા પ્રોગ્રામ અંતર્ગત 75 બાળકોના મરોડદાર અક્ષર કરવામાં 100 ટકા સફળતા મળતા દાંતીવાડા શિક્ષણ વિભાગ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેમના દ્વારા તૈયાર કરાયેલા વિદ્યાર્થીઓ પૈકી ચાર વિદ્યાર્થીઓ અગાઉ યોજાયેલ NMMS ની પરીક્ષા પાસ પણ થયા હતા.