વરસાદ એલર્ટ : નદી નાળા, કોઝ વે અને નીચાણ વાળા વિસ્તારમાં હરવા ફરવા ન જવા નાગરિકોને વિનંતી
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે જિલ્લાવાસીઓને વધુ વરસાદની આગાહી વચ્ચે સાવચેત રહેવા અપીલ
મુશ્કેલ પરિસ્થિતિમાં કન્ટ્રોલરૂમનો સંપર્ક કરવા અનુરોધ: નદી નાળા, કોઝ વે અને નીચાણ વાળા વિસ્તારમાં જવાનું ટાળવા અને બિનજરૂરી હરવા ફરવા (ન) જવા નાગરિકોને વિનંતી
જિલ્લાના જળાશય વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
ભયજનક સ્થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ/કેમેરામાં વિડિયોગ્રાફી/ફોટા/સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકાયો
પાણીનું ભારે વહેણ ધરાવતાં ભયજનક સ્થળોએ કોઇપણ વ્યક્તિ/પ્રવાસીઓએ નાહવા જવા, કપડા ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ કરવો નહી
હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તેમજ આગામી સમયમાં વરસાદનું જોર વધે એવી સંભાવના છે. જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર સજજ બન્યું છે. કોઈપણ પરિસ્થિત ને પહોંચી વળવા માટે ટીમ બનાસ ખડેપગે તૈનાત છે.
જિલ્લામાં ભારે વરસાદી આફતની સંભાવના વચ્ચે જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા જિલ્લાના સૌ નાગરિકોને સાવચેત અને તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાવાસીઓને કલેકટર મિહિર પટેલે નદી નાળા, કોઝ વે અને નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળવા અને બિનજરૂરી હરવા ફરવા ન જવા નાગરિકોને વિનંતી કરી છે.
જિલ્લામાં હાલ વરસાદની સ્થિતિ સામાન્ય છે છતાં પણ લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. વધુ વરસાદની સ્થિતિમાં ઊંચાણવાળા સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં જિલ્લા કલેકટર કચેરી કંટ્રોલ રૂમ અને તમામ મામલતદાર કચેરી ખાતેના કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરી છે.
વધુમાં, ઉપરના તમામ ભયજનક સ્થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ/કેમેરામાં વિડિયોગ્રાફી/ફોટા/સેલ્ફી લેવા નહી. ઉક્ત જણાવેલ ભયજનક સ્થળોએ પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવેલ છે. જે આગામી તા.૩૦/૧૧/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો અમલવારી વિસ્તાર બનાસકાંઠા જિલ્લાની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. તથા આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેક્ટરથી નાયબ પોલીસ અધિક્ષક સુધીનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓને ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.