પાલનપુરના માનસરોવર તળાવના બ્યુટીફીકેશન સામે સવાલો

બનાસકાંઠા
બનાસકાંઠા

જળકુંભી દૂર કર્યા વિના જીવ હત્યા કરાશે તો આત્મવિલોપન ની ચીમકી , કરોડો રૂપિયાના કામમાં ધુપ્પલ બાજી ચાલતી હોવાની રાવ

હિંદુત્વના નામે ચરી ખાનારાઓ દ્વારા જીવ હત્યા કરવાનો કારસો રચાયો હોવાની રાવ: પાલનપુરમાં એક સમયે આગવી ઓળખ ધરાવતા માનસરોવર તળાવના બ્યુટીફીકેશન માટે રૂ.7.81 કરોડ ફાળવાયા છે. ત્યારે માનસરોવરના બ્યુટીફીકેશનની ચાલી રહેલી કામગીરી દરમિયાન ધુપ્પલબાજી ચાલતી હોવાની રાવ ઉઠી છે. વળી, હિંદુત્વના નામે સત્તાસ્થાને બિરાજી વિધર્મીને પેટા કોન્ટ્રાકટ આપવા સામે આંખ આડા કાન કરનાર ભાજપ શાસિત નગરપાલિકાના રાજમાં જળકુંભી હટાવ્યા વિના તળાવમાં રહેલા હજારો જીવોની હત્યા કરવાનો કારસો રચાયો હોવાની આશંકા સાથે જીવ હત્યા થશે તો પાલનપુરના યુવાને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.

જિલ્લા મથક પાલનપુરમાં આવેલ ઐતિહાસિક માનસરોવર તળાવમાં ગટરનું દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લીધે તળાવ અત્યંત દુષિત બની ગયું છે. શહેર ની ગટરમાંથી તમામ ગંદકી તળાવમાં ઠલવાઈ રહી છે. તો વળી અધૂરામાં પૂરું પાછલા એક વર્ષથી તળાવ જળકુંભીથી ભરાઈ ગયું હતું. ત્યારે પાલનપુરના શિક્ષકે જલકુંભી બહાર કાઢી જીવદયાનું કામ કર્યું હતું. જોકે, પાલિકા દ્વારા રૂ.7.81 કરોડના ખર્ચે માનસરોવર તળાવના બ્યુટીફીકેશનને લઈને તળાવની સફાઈ સાથે રીનોવેશન હાથ ધરવાની કામગીરી ગોકળ ગતિએ શરૂ કરાઇ છે. જોકે, આ કામમાં ધુપ્પલબાજી ચાલતી હોવાની રાવ ઉઠતા પાલનપુરના શિક્ષક ડો.રવિ સોનીએ તળાવની મુલાકાત લઈ ચાલતી કામગીરીનો પર્દાફાશ કરતા કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ જળ કુંભી દૂર કર્યા વિના તળાવમાં રહેલા માછલીઓ સહિતના જીવ જંતુઓની હત્યા કરાશે તો પોતે આત્મવિલોપન કરશે તેવી ખુલ્લી ચીમકી સોશિયલ મિડીયાના માધ્યમથી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.

આત્મવિલોપનની ચીમકી: પાલનપુરના શિક્ષક ડો.રવિ સોની એ સોશિયલ મીડિયામાં કરેલી રજુઆત મુજબ, હિંદુત્વના નામે ચરી ખાનારાઓના રાજમાં આ કામનો પેટા કોન્ટ્રાકટ કોઈ વિધર્મી ને અપાયો છે. જેના થકી ચાલતા કામમાં હાલમાં કમ્પાઉન્ડ વોલ બની રહી છે. જેમાં પણ તળાવનું મળમૂત્ર વાળું પાણી વપરાઈ રહ્યું છે. બાંધકામ માટે કરોડો રૂપિયા ફાળવવા છતાં તળાવન ગંદા પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં જીવ જંતુઓ મરી રહ્યા હોવાની આશંકા તેઓએ વ્યક્ત કરી હતી. વળી, ત્યાં પડેલા જુના પથ્થરો પણ વાપરવામાં આવશે તેવો સંદેહ વ્યક્ત કરતા તેઓએ જળ કુંભી કાઢ્યા વિના પેટ્રોલ છાંટી તેને બાળી દેવાના સંભવિત કારસાને લઈને તળાવમાં રહેલા હજારો માછલીઓ સહિતના જળચર જીવ જંતુઓ મોતને ભેટશે તેવી આશંકા વ્યક્ત કરતા તેઓએ જીવ હત્યા થશે તો પોતે આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તેઓએ માત્ર વોટ બેંક માટે હિંદુત્વ અને જીવદયાની ગુલબાંગો પોકારનાર શાસકોને આડે હાથ લેતા તેઓને નકલી હિન્દુત્વ ધારી ગણાવી પાલનપુરી ઓને પણ માનસરોવર તળાવની મુલાકાત લઈ ચાલતી ધુપ્પલબાજી સામે અવાજ ઉઠાવવા અપીલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.