ડીસા પાલિકામાં સ્થાનિક રહીશોનું વિરોધ પ્રદર્શન: વોર્ડ નં.4 અને 5 માં ભર શિયાળે પીવાના પાણીની વિકટ સમસ્યા
કોર્પોરેટર દંપતિની ભૂખ હડતાળ બાદ પણ નિવારણ ન આવતા રોષ
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાના વોર્ડ નં. 4 સોમનાથ ટાઉનશીપ તેમજ વોર્ડ નં. 5 અંબિકા નગર વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ યથાવત રહી છે. ત્યારે પીવાના પાણીની સમસ્યાથી પીડાતી મહીલાઓએ કચેરીએ ધસી જઈ નગરપાલિકાના સત્તાધીશો પર રોષ ઠાલવ્યો હતો.
ડીસામાં થોડા સમય અગાઉ સોમનાથ ટાઉનશીપ વિસ્તારમાં પીવાના પાણીની પારાયણને લઈ આ વિસ્તારના નગરપાલિકાના સભ્ય મોતીલાલ સહિત તેમના ધર્મપત્ની નગરપાલિકાના સામે ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા ત્યારે ડીસા નગરપાલિકાના નવનિયુક્ત ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત પાલીકાના સભ્યોની ટીમ તાત્કાલિક સોમનાથ ટાઉનશીપમા દોડી આવી પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે બાંયધરી આપી હતી.
ડીસાના અંબિકા નગર વિસ્તારમાં ભર શિયાળે પીવાના પાણીની પારાયણ યથાવત્ જોવા મળી હતી. જેમાં અંબિકા નગર અને ચંદ્રલોક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી પીડાતા સ્થાનિકોએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો. જ્યારે સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે ચીફ ઓફિસર સામે સ્થાનિક રહીશોના ટોળાએ ધસી આવી પાણી ન મળતાં સત્તાધીશોની કામગીરી સામે પણ વેધક સવાલો ઉઠાવ્યા હતા અને મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પાણી ન મળતાં પાલીકાને ઉગ્ર રજૂઆત કરી હતી.
રહીશોએ રામધૂન બોલાવી: છેલ્લા છ મહિનાથી પીવાના પાણી સામે ઝઝૂમતા સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરવા સાથે નગરપાલિકા કચેરીની સામે રામધૂન પણ બોલાવી હતી.