ધાનેરાઃ સામાન્ય વરસાદમાં તંત્રના પ્રિમોન્સુન પ્લાનની પોલ ખુલી, ગટરો ચોકઅપ
બનાસકાંઠાના ધાનેરામાં સામાન્ય વરસાદમાં જ તંત્રના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઇ છે. સામાન્ય વરસાદમાં જ શહેરની ગટરો ઉભરાઇને ગંદા પાણી રોડ પર ફરી વળતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ શહેરીજનોને પણ ગંદાપાણીમાંથી પસાર થતા રોગચાળામાં સપડાવવાની દહેશત સેવાઇ રહી છે.ધાનેરામાં મોસમનો પહેલો વરસાદ આવ્યો છે. જેમાં નગરપાલિકાના પ્રિમોન્સૂન પ્લાન પાણીમાં જતો જોવા મળ્યો છે.
ધાનેરા નગરપાલિકા ઉત્તર ગુજરાતમાં ત્રીજા ક્રમે અને બનાસકાંઠામાં પ્રથમ ક્રમે વેરા વસુલાતમાં આવી છે. પણ વરસાદે જ નગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે. સામાન્ય વરસાદમાં ગટરો ચોકઅપ થઈ જતા ગટરોના પાણી વરસાદી પાણીમાં મળીને વહેતા જોવા મળ્યા છે. જેના કારણે અનેક રાહદારી અને દુકાનદાર પણ મુશ્કેલીમાં મુકાયા ગટરના પાણી રોડ પર આવતા વરસાદી પાણીનો કલર જ બદલાઈ જવા પામ્યો હતો.
તંત્રએ કરેલા તમામ દાવા પર પ્રથમ વરસાદે જ પોલ ખોલી નાખી છે ત્યારે આગળ હજુ ચોમાસુ બાકી છે ત્યારે તંત્રના કારણે લોકોને કેવી કેવી હાડમારી વેઠવી પડશે એ કહેવું હાલ મુશ્કેલ છે. જો ધાનેરા તંત્ર હજુ જાગીને પ્રિમોન્સૂલ પ્લાન પર કામગીરી નહિ કરે તો આ ગટરોના પાણી મોટો રોગચાળો ફેલાવે એ પણ ભય ઉભો જ છે ત્યારે સવાલએ પણ ઉભો થાય છે કે, વેરા વસુલાતમાં પ્રથમ નંબર મેળવનાર તંત્ર ક્યારેય આ ગટરોના પાણીમાંથી મુક્તિ અપાવે છે એ જોવાનું રહ્યું.