ધાનેરા મત વિસ્તારમાં પાણીની માંગ સાથે રાજકારણ ગરમાયુ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા અને દાંતીવાડા તાલુકાના મોટાભાગના ગામડાઓ પાણી વગરના બની ગયા છે. ખેડૂતો સુખનો રોટલો ખાઈ ખેતી તેમજ પશુપાલન પર નિર્ભર રહી આઝાદી ભર્યું જીવન જીવી રહ્યા હતા પરંતુ હાલના સમયમાં ખેડૂતો વ્યાજના બોજ તળે દબાઈ ગયા છે. વર્ષ દરમિયાન એક કે બે વાર બોરવેલ બનાવવા માટે વ્યાજ પર પૈસા લાવી પાણી મળશે તેવું સપનું જોતા હોય છે તેમ છતાં ભૂગર્ભમાંથી પાણી મળતું નથી. તેમને લાખો રૂપિયાનો ખર્ચ માથે પડી રહ્યો છે.પરંતુ આ સમસ્યા બાબતે અત્યાર સુધી કોઈએ ગંભીરતા બતાવી હોય આવું બન્યું નથી. બનાસકાંઠા જિલ્લામાંથી મંત્રી પદ હોય, સહકાર વિભાગ હોય કે રાજકારણની સૌથી ઊંચી ખુરશી પર પણ આજ જિલ્લાના આગેવાનો બેઠેલા હોય છે છતાં છેલ્લા ૧૦ વર્ષથી વિકટ પાણીની સમસ્યા બાબતે કોઈ પરિણામ લક્ષી કામ કેમ થઈ રહ્યુ નથી.
ધાનેરા તાલુકાના ધારાસભ્ય હોય કે વિરોધ પક્ષના નેતા એક માત્ર સિંચાઈના પાણીની માંગ સાથે ચૂંટણી લડ્‌યા છે.ચૂંટણી એજન્ડામાં ધાનેરા મત વિસ્તારને પાણી મળશે આવા આશ્વાસન સાથે ચૂંટણી લડાઈ રહી છે. પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત હોય કે જોઈતાભાઈ પટેલ હોય કે વર્તમાન ધારાસભ્ય નથાભાઈ પટેલ હોય આ ત્રણે નેતાની રજુઆત એક માત્ર પાણી માટેની હતી છતાં અત્યાર સુધી ધાનેરા મત વિસ્તારના ગામડાઓને પાણી કેમ ના મળ્યું એ એક પ્રશ્ન છે. પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ ધાનેરા મત વિસ્તારને પાણી મળે તે માટે સરકારમાં રજુઆત કરી હતી.અને ૨૦૧૭ના વર્ષમાં ૬ કરોડ જેટલી રકમની જોગવાઈ કરી ધાનેરા તાલુકાના નેનાવા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણી મળે તે મામલે મંજૂરી મળ્યા હોવાની એક કાર્યક્રમમાં જાહેરાત કરતા ધાનેરા તાલુકો હરખાઈ ઉઠ્‌યો હતો. પરંતુ વર્ષ બદલાયું ફરી વિધાનસભાની ચૂંટણી આવી કોંગ્રેસ તરફથી નથાભાઈ પટેલ અને ભાજપ તરફથી માવજીભાઈ દેસાઈએ ઉમેદવારી નોંધાવી હતી. બન્ને નેતાએ ધાનેરા મત વિસ્તારના ગામડાઓને પાણી મળે તેવા આશ્વાસન સાથે ચૂંટણી લડી હતી જેમાં કોંગ્રેસ નેતા નથાભાઈ ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. જોકે પાણીની સમસ્યા હજુ ત્યાંની ત્યાં જ છે. એક વાત તો ચોક્કસ છે કે ધાનેરા મત વિસ્તારને પાણી ના મળવાનું કારણ રાજકીય કાવા દાવા જ છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૨માં પણ હાલના ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ પણ જાહેર સભાનું સંબોધન કરતા બનાસનદીમાં ચેક ડેમની મંજુરી મળી ગઈ હોવાની જાહેરાત કરી હતી અને પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીએ પણ આક્રમક મૂડમાં આવી કહયું હતું કે જો રેલ નદીમાં કોઈ પાણી નાખશે તો એક માત્ર ભારતીય જનતા પાર્ટી પાણી નાખશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.